શનિવાર, 11 એપ્રિલ 2026
  1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 6 એપ્રિલ 2026 (11:20 IST)

ગાંધીનગરમાં ભાજપનું મંથન: ઉમેદવારો નક્કી કરવા બેઠકોનો દોર શરૂ

gujarat cabinet meeting
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જીતવા માટે ભારતીય જનતા પાર્ટીએ ગાંધીનગરમાં કમર કસી છે. મુખ્યમંત્રીના નિવાસસ્થાને આજથી ત્રણ દિવસીય પાર્લામેન્ટ્રી બોર્ડની મહત્વની બેઠકોનો પ્રારંભ થયો છે. આ બેઠકમાં આગામી ચૂંટણી માટેના સંભવિત ઉમેદવારોની પેનલ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની તૈયારીઓને જોતા ભાજપ પણ વહેલી તકે મજબૂત ઉમેદવારોના નામ ફાઈનલ કરવાના મૂડમાં છે, જેનો અંતિમ નિર્ણય આ ત્રણ દિવસમાં લેવાઈ શકે છે.
 

નવા ચહેરાઓને પ્રાધાન્ય અને યુવા નેતૃત્વ પર ભાર

 
પાર્ટી સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વખતે ભાજપ સંગઠનમાં નવી ઉર્જા લાવવા માટે 50 ટકાથી વધુ નવા ચહેરાઓને તક આપવાનું વિચારી રહી છે. ખાસ કરીને સ્થાનિક સ્તરે લોકપ્રિય હોય અને વિરોધ પક્ષના ઉમેદવારોને મજબૂત ટક્કર આપી શકે તેવા દાવેદારોની પસંદગી પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ નિર્ણયને કારણે પાયાના કાર્યકરો અને યુવા નેતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે પાર્ટી આ વખતે જૂના જોગીઓ સાથે નવા લોહીને પણ મેદાનમાં ઉતારવાની રણનીતિ બનાવી રહી છે.
 

ગોપનીયતા અને તબક્કાવાર ઉમેદવારીની જાહેરાત

 
પાર્લામેન્ટ્રી બોર્ડની આ બેઠક બાદ ઉમેદવારોના નામની જાહેરાત એકસાથે કરવાને બદલે તબક્કાવાર કરવામાં આવે તેવી શક્યતા છે. પસંદ કરાયેલા ઉમેદવારોને વ્યક્તિગત રીતે ફોન દ્વારા જાણ કરવાની પદ્ધતિ અપનાવવામાં આવશે જેથી આખી પ્રક્રિયામાં ગોપનીયતા જળવાઈ રહે. આ વ્યૂહરચના પાછળનો મુખ્ય હેતુ યાદી જાહેર થયા બાદ પક્ષમાં કોઈ ગેરસમજ કે અસંતોષ ઊભો ન થાય તે જોવાનો છે. આગામી બે દિવસમાં તમામ બેઠકો પર ચિત્ર સ્પષ્ટ થઈ જશે.