બાવળામાં ભાજપની બે દિવસીય ચિંતન શિબિર, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે
ગુજરાતમાં આ વર્ષે જ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને ભાજપ, કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી સહિતના પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે ભાજપ દ્વારા આવતીકાલથી બે દિવસ માટે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્રિય ગૃહમંત્રી તથા સહકારીતામંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે.
ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે, આવતીકાલે 15 અને 16 મેના અમદાવાદ જીલ્લાના બાવળા તાલુકાના કેન્સવિલે ખાતે ગુજરાત પ્રદેશની ચિંતન બેઠક યોજાશે. આ બેઠક ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતામાં યોજાશે. આ ચિંતન બેઠકમાં કેન્દ્રના ગૃહમંત્રી અને સહકારમંત્રી અમિત શાહ સાહેબ, ગુજરાતના પ્રભારી અને કેન્દ્રીય પર્યાવરણમંત્રી ભુપેન્દ્રભાઇ યાદવ, રાષ્ટ્રીય સહકોષાધ્યક્ષ સુધીર ગુપ્તાજી, રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત ગુજરાત પ્રદેશ ભાજપના આગેવાનો બેઠકમાં ઉપસ્થિત રહેશે.
આ બેઠકમાં ગત સમય દરમિયાન ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલ કામની સમીક્ષા કરવામાં આવશે. તેમજ ગુજરાત વિઘાનસભાની ચૂંટણી અંગે મહત્વની ચર્ચા કરવામાં આવશે. બેઠકમાં રાષ્ટ્રીય નેતૃત્વના માર્ગદર્શન અને ગુજરાતના નેતૃત્વ બેઠકમાં આગામી સમયમાં આવનાર પડકાર તેમજ આવનાર વિઘાનસભા બેઠકમાં ઐતિહાસીક વિજય મેળવવા ચર્ચા કરવામાં આવશે.