શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 28 નવેમ્બર 2019 (14:00 IST)

BRTS કોરિડોરમાં દાખલ થનાર વાહનોને હજારો રૂપિયાનો ભારેભરખમ દંડ થશે

અમદાવાદમાં બીઆરટીએસ બસોના વધી રહેલા અકસ્માતોને નાથવા મ્યુનિ. કમિશ્નર વિજય નેહરાએ ટ્રાફિક પોલીસ અને બીઆરટીએસના અધિકારીઓ સાથે સળંગ મિટિંગો કરીને પાંચ મુદ્દાનો એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે. જે અનુસાર હવેથી બીઆરટીએસ કોરિડોરમાં દાખલ થનારા વાહનોને પણ ઇ-મેમો આવી જશે, આ માટે જરૂરી વધારે કેમેરાની વ્યવસ્થા કરવામાં આવી છે.

તેમણે જણાવ્યું હતું કે, કોરિડોરમાં દાખલ થનારા દ્વિચક્રી અને રીક્ષાના રૂા. ૧,૫૦૦, કારના રૂા. ૩,૦૦૦ અને કોમર્શિયલ પ્રકારના વાહનોની રૂા. ૫૦૦૦ની પેનલ્ટી થશે. તેમણે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે ૯ જીવલેણ અકસ્માતો થયા તેમાંથી પાંચ તો કોરિડોરમાં ઘુસેલા વાહનો કે પગે ચાલનારાઓના થયા છે. અકસ્માત થાય જ નહિ તે દિશામાં અમે પ્રયાસો હાથ ધર્યા છે. શહેરમાં ચાલુ વર્ષે ૩૧૯ કુલ જીવલેણ અકસ્માતો થયા છે, તેમાંથી ૯ બીઆરટીએસના એટલે કે ૩ ટકા અકસ્માતો થયા છે. ૨૫૦૦ કિલોમીટરના કુલ રોડમાં ૧૦૦ કિ.મી.નો કોરિડોર છે, જેમાં ૨૨૫ બીઆરટીએસ, ૩૨૧ એએમટીએસ અને ૧૫૦૦ જેટલી એસટી બસો દ્વારા પેસેન્જરો અવરજવર કરે છે.

પાંચ મુદ્દાઓ અંગે તેમણે જણાવ્યું હતું કે, (૧) ઓવરસ્પીડની ફરિયાદો દૂર કરવામાં આવશે. ૨૫૫માંથી ૨૦૦ બસોની મહત્તમ ૫૦ કિ.મી.ની સ્પીડ કોમપ્યુટર દ્વારા બાધવામાં આવી છે. જ્યારે ૫૫ બસોની મિકેનિકલ રીતે સ્પીડ બાંધવામાં આવી છે, જેની સાથે કટલાંક ડ્રાયવરો ચેડાં કરીને ગતિમર્યાદા વધારી દેતા હોય છે. હવેથી કોઈ ડ્રાઇવર આવું કરશે તો તેના ઓપરેટરને ૧ લાખ પેનલ્ટી થશે. (૨) ડ્રાયવરોને ચુસ્ત ટ્રેનિંગ આપવામાં આવશે. ટ્રેનિંગ સમયે બીઆરટીએસના અધિકારીઓ અને ટ્રાફિક પોલીસ હાજર રહેશે અને એક સર્ટિફિકેટ આપશે. ડ્રાયવર હેલ્થ અને આંખની દ્રષ્ટિનું ચેકિંગ કરાશે.

ઉપરાંત (૩) ડ્રાયવરોની વર્તણુંક અંગે પણ કડક નિયમો કરાશે, ડ્રાયવર સિગ્નલ તોડે, ચાલુ બસે મોબાઇલ ફોન વાપરે, પાન ખાઈને પિચકારી મારે, ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે તો ડ્રાવયરને જે દંડ થાય તેનાથી ૧૦ ગણો દંડ તેના ઓપરેટરને થશે. ડ્રાયવરને ૨૦૦૦નો દંડ થાય તો ઓપરેટરને ૨૦,૦૦૦નો દંડ ફટકારાશે. (૪) નાના મોટા અકસ્માતો કરે તો ઓપરેટરને ૧ લાખનો દંડ કરાશે. ડ્રાયવરની ક્ષતિ જણાશે તો તેને નોકરીમાંથી દૂર કરી બ્લેકલિસ્ટ કરાશે. એફઆરઆઇ મુજબ સજા થશે ઓપરેટરને મોટી પેનલ્ટી કરાશે, (૫) ૫૦ ટકા અકસ્માતો કોરિડોરમાં થાય છે, તેથી ખાનગી વાહનોને પ્રવેશતા અટકાવવા ૭ જગ્યાએ આરએફઆઇડી સેન્સર સાથેની આડશો ઉભી કરાશે. બાઉન્સરો પણ જરૂર જણાય ત્યાં મુકાશે. અકસ્માતને ઝીરો લેવલે લઈ જવાનો ઇરાદો છે.