મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 21 ઑગસ્ટ 2018 (12:20 IST)

બુલેટ ટ્રેન માટેના જમીન સંપાદનમાં સુધારેલા કાયદા પ્રમાણે વળતર ચૂકવાશે

અમદાવાદ-મુંબઈ વચ્ચે આકાર લઈ રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેની જમીન સંપાદન પ્રક્રિયાને પડકારતી રિટ સંદર્ભે રાજ્ય સરકારે આજે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જવાબ રજૂ કર્યો હતો કે જમીન સંપાદન સંબંધિત વિવિધ કાયદાઓની જોગવાઈમાં આવેલા નવા સુધારાઓ અને સંશોધન પ્રમાણે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે. અરજદારે રિટમાં આક્ષેપ કર્યો હતો કે જમીન સંપાદન કાયદાના જૂના નિયમો પ્રમાણે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે. આ કેસની વધુ સુનાવણી ૨૪ ઓગસ્ટ પર મુલતવી રાખવામાં આવી છે. અરજદારે રિટમાં એવી રજૂઆત કરી હતી કે બુલેટ ટ્રેનના કારણે જે લોકોની જમીન સંપાદિત થઈ રહી છે તેમને થનારી અસરો અને અન્ય સામાજિક અસરોનું મૂલ્યાંકન થયા બાદ પ્રોજેક્ટ શરૂ કરવો જોઈએ. જેની સામે સરકારે રજૂઆત કરી છે કે પ્રોજેક્ટની સમાજિક અસરોનું મૂલ્યાંકન કરીને જમીન સંપાદનની વધુ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સરકારનો દાવો છે કે આ પ્રોજેક્ટમાં સમાવિષ્ટ ખેડૂતોના પુનઃસ્થાપન માટે સરકાર તમામ પ્રયત્નો કરી રહી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અત્યાર સુધીમાં રૂપિયા ૩૮૦ કરોડનો ખર્ચ થઈ ચૂક્યો હોવાની રજૂઆત પણ સરકાર દ્વારા કરવામાં આવી છે.