1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 14 જુલાઈ 2025 (13:46 IST)

બોચાસણથી યાત્રાધામ સાળંગપુર જઈ રહેલી આર્ટિગા કાર કોઝવે પરથી પસાર થતા તણાઈ, 2 ના મોત 4 નો બચાવ, BAPS ના સ્વામી લાપતા

botad news
botad news
બોટાદ જિલ્લામાં રવિવાર રાત્રે એક દુખદ ઘટના બની જ્યારે બોચાસણથી સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર તરફ જઈ રહેલી અર્ટિગા કાર કોઝવે પરથી પસાર થતી વખતે પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગઈ હતી. કારમાં કુલ સાત લોકો સવાર હતા. આકસ્મિક રીતે કોઝવે પરથી પસાર થતી વેળા પાણીનો પ્રવાહ વધારે હોવાથી કાર તણાઈ ગઈ. ઘટના બાદ સ્થાનિક પ્રશાસન અને બચાવ દળોએ તરત જ સ્થળ પર પહોંચી કામગીરી શરૂ કરી હતી. આ દુર્ઘટનામાં કારમાં સવાર સાત વ્યક્તિમાંથી બેનાં મોત થયાં છે, જ્યારે ચારનો આબાદ બચાવ થયો છે. એક સ્વામી લાપતા બન્યા છે, જેઓની છેલ્લા 13 કલાકથી NDRF ટીમ દ્વારા શોધખોળ ચાલુ છે.
 
કારમાં કુલ સાત લોકો સવાર હતા, જેમાં સાળંગપુર BAPS મંદિરના સંત અપૂર્વપુરુષ સ્વામી અને શાંતિચરિત સ્વામી તેમજ હરિભક્તો વિવેક કાપડિયા, નિકુંજ સોજીત્રા, દિવ્યેશ પટેલ (ડ્રાઈવર), કૃષ્ણકાંતભાઈ પંડ્યા અને પ્રબુદ્ધ કાછિયા. આ તમામ લોકો સાળંગપુર BAPS મંદિરે રહે છે.આ ઘટનામાં ડ્રાઈવર દિવ્યેશભાઈ પટેલના દસ વર્ષીય પુત્ર પ્રબુદ્ધ કાછિયા સહિત બે વ્યક્તિનાં મોત થયાં છે, જ્યારે સાળંગપુર BAPS મંદિરના સંત શાંતિ ચરિત સ્વામી હજુ પણ લાપતા છે. તેમને શોધવા માટે મોટે પાયે શોધખોળ અભિયાન ચાલી રહ્યું છે.
 
આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના નામ 
 
કૃષ્ણકાંત પંડ્યા (આશરે 60 વર્ષ)
પ્રબુદ્ધ કાસિયા (આશરે 10 વર્ષ) (બંને રહે. સાળંગપુર BAPS મંદિર)
 
એક પ્રત્યક્ષદર્શી મુજબ  ગઈકાલે રાત્રિના લગભગ 12 વાગ્યા આસપાસ જ્યારે કાર ગોધાવટા ગામ પાસેના કોઝવે પાસે પહોંચી ત્યારે વરસાદને કારણે પાણીનો પ્રવાહ ઘણો તેજ હતો. તેમ છતાં ડ્રાઈવર દિવ્યેશ પટેલે કાર પાણીના પ્રવાહમાં ચલાવવાનો પ્રયાસ કરતાં કાર તણાઈ ગઈ હતી. NDRF  ની ટીમ દ્વારા શાંતિ ચરિતસ્વામીને શોધવા માટે સઘન બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કરુણ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.