ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 2 ઑગસ્ટ 2024 (17:23 IST)

Chandipura virus - ચાંદીપુરા વાયરસનો હાહાકાર, અત્યાર સુધી 61 બાળકોનાં મોત થયાં છે

virus chandipura
Chandipura virus - ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસ અને તેના જેવી જ વાઇરલ ઍન્કેફેલાઇટિસ બીમારીથી 61 બાળકોનાં મોત થયાં છે.  અત્યાર સુધી 148 કેસ નોંધાયા છે
 
સરકારે 1 ઑગ્સ્ટે આપેલા આંકડાઓ પ્રમાણે, ચાંદીપુરાને કારણે પંચમહાલમાં સૌથી વધારે સાત મોત નોંધાયાં હતાં. જયારે અમદાવાદ કૉર્પોરેશનમાં છ મોત નોંધાયાં હતાં. આ ઉપરાંત રાજકોટ, સાબરકાંઠા અને મોરબીમાં ચાર-ચાર મોત નોંધાયાં હતાં.
 
સરકારે આપેલા આંકડા અનુસાર વાઇરલ ઍન્કેફેલાઇટિસના અત્યાર સુધી 148 કેસ નોંધાયા છે. જેમાંથી 56 કેસમાં ચાંદીપુરા વાઇરસ પૉઝિટિવ હોવાનો રિપોર્ટ આવ્યો છે.
 
ઍન્કેફેલાઇટિસના સૌથી વધારે 16 કેસ પંચમહાલમાં નોંધાયા છે, જ્યારે સાબરકાંઠામાં 15 અને અમદાવાદ કૉર્પોરેશનમાં 12 કેસ નોંધાયા છે.
 
ચાંદીપુરાના કેસોની વાત કરીએ તો પંચમહાલમાં સૌથી વધારે સાત કેસો નોંધાયા છે, જ્યારે સાબરકાંઠામાં છ કેસો નોંધાયા છે. આ ઉપરાંત મહેસાણામાં પણ ચાંદીપુરાના પાંચ કેસો નોંધાયા છે.
 
ઍન્કેફેલાઇટિસના 27 દર્દીઓ હાલમાં અલગ અલગ હૉસ્પિટલમાં દાખલ છે. જ્યારે 60 દર્દીઓને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
 
સરકારે પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે આરોગ્યની ટીમે પોઝિટિવ અને શંકાસ્પદ મળેલા દર્દીના ઘરે અને આસપાસના વિસ્તારોમાં મળીને કુલ 46 હજાર 222 ઘરોમાં સર્વેલાન્સની કામગીરી કરી છે.
 
રાજ્ય સરકારે જણાવ્યું કે નેશનલ સેન્ટર ફૉર ડિઝિસ કન્ટ્રોલ, દિલ્હી અને આઈસીએમઆર એનઆઈવી, પુણેથી પણ આ વાઇરસથી થયેલાં મોતની તપાસ માટે ટીમ આવેલ છે.