અમદાવાદમાં આગામી 6 ફેબ્રુઆરીએ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા રોડ શો કરશે

Last Modified ગુરુવાર, 4 ફેબ્રુઆરી 2021 (11:48 IST)
રાજ્યમાં આગામી 21 ફેબ્રુઆરીએ છ મહાનગર પાલિકાની ચૂંટણી યોજાશે. રાજકીય પક્ષોએ ઉમેદવારોની પસંદગી માટે આખરી ઓપ પણ આપી દીધો છે. ત્યારે આ વખતે ગુજરાતમાં ઓવૈસીની પાર્ટીની સાથે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી પણ ઝંપલાવશે. આમ આદમી પાર્ટી દ્વારા એક મહિના અગાઉ જ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. હવે રાજ્યમાં ‘આપ’નો પ્રચાર કરવા માટે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાનો આગામી 6 ફેબ્રુઆરીએ અમદાવાદમાં ભવ્ય રોડ શો યોજાશે. મનીષ સિસોદિયાના રોડ શોથી ‘આપ’ના ચૂંટણી પ્રચારના શ્રીગણેશ થશે. આ રોડ શો માટે પાર્ટી દ્વારા સોશિયલ મીડિયામાં સોન્ગ લોન્ચ કરવામાં આવ્યું છે. હવે અમદાવાદમાં આમ આદમી પાર્ટી શક્તિ પ્રદર્શન કરશે.
એક મહિના પહેલાં આમ આદમી પાર્ટીએ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું હતું
રાજ્યમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી આગામી 21 ફેબ્રુઆરી મહિનામાં યોજાવાની છે ત્યારે આ ચૂંટણીમાં સૌથી પહેલા આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણીમાં ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાતમાં કોર્પોરેશન અને સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ઉમેદવારોનું પહેલું લિસ્ટ આમ આદમી પાર્ટીના દિલ્હીના ધારાસભ્ય આતિશીજી દ્વારા અમદાવાદમાં જાહેર કરવામાં આવ્યું હતું. સુરત, ડેડિયાપાડા, નર્મદા, મોરબી, જામનગર, પાટણ, રાજકોટ શહેર, રાજકોટ જિલ્લાના કુલ 504 ઉમેદવારોનાં નામ જાહેર કરવામાં આવ્યાં હતાં. ઉમેદવારોના જાહેર કરાયેલા લિસ્ટમાં 31 ટકા મહિલા ઉમેદવારો સામેલ હતાં.
અમદાવાદમાં રિક્ષા ચાલકને ટિકીટ આપી
અમદાવાદના રખિયાલ-સરસપુર વોર્ડમાં એક રિક્ષાચાલક મુનવર હુસૈન શેખને ટિકિટ આપવામાં આવી છે.આ અંગે મુનવર હુસૈન શેખે જણાવ્યું હતું કે હું 2015માં આ પાર્ટી સાથે જોડાયો હતો. ત્યાર બાદ આમ આદમી પાર્ટીના દિલ્હી મોડલને જોઈને ખૂબ જ પ્રભાવિત થયો છું. એમાં પાણી, વીજળી અને આરોગ્ય જેવી પાયાની સવલતો આ દિલ્હી મોડલમાં મેં જોઈ છે. અહીંની સ્થાનિક સમસ્યાને 5 વર્ષ થઈ ગયા પણ કોઈ નિકાલ નથી આવ્યો. રજૂઆત કરીને થાકી ગયા પણ કોઈ સાંભળતું નથી. જેથી હું માનું છું કે આમ આદમી પાર્ટીની સાફ રાજનીતિ ગુજરાતમાં રંગ લાવશે અને દિલ્હીની જેમ અહીં પણ અમે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવીશું.
ઉમેદવારોની માહિતી માટે ઈ-મેલ આઈડી જાહેર કર્યો હતો
આમ આદમી પાર્ટીએ જયારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે તેમના ઉમેદવારનું લિસ્ટ જાહેર કર્યું ત્યારે તેમના કાર્યકર સાથે સ્થાનિકોને ઉમેદવાર વિશે કાઈ માહિતી આપવી હોય એ માટે પાર્ટીએ ઈ-મેલ આઈડી પણ જાહેર કર્યો હતો, જેથી તેઓ તેમના ઉમેદવાર અંગે કોઈ ખામી જણાય તો એને બદલી શકે.


આ પણ વાંચો :