કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATS એ 1,800 કરોડ રૂપિયાના ડ્રગ્સ કર્યું જપ્ત
ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડી (એટીએસ) અને ભારતીય કોસ્ટ ગાર્ડે અરબી સમુદ્રમાંથી 1800 કરોડ રૂપિયાની કિંમતની 300 કિલો ડ્રગ્સ જપ્ત કરી છે, જેને દાણચોરોએ ભાગી જતા પહેલા દરિયામાં ફેંકી દીધી હતી. અધિકારીઓએ સોમવારે આ માહિતી આપી.
પોરબંદરથી 190 કિલોમીટર દૂર દરિયામાં આ ઓપરેશન હાથ ધરાયું હતું. આ કાર્યવાહીમાં રૂપિયા 1800 કરોડનો 300 કિલોગ્રામ નશીલો પદાર્થ જપ્ત કરવામાં આવ્યો છે. કોસ્ટ ગાર્ડની શીપને જોઈને, પાકિસ્તાની બોટના ચાલકો ડ્રગ્સને દરિયાના પાણીમાં ફેંકીને ભાગી ગયા હતા. જે બાદ કોસ્ટ ગાડે પાણીમાંથી ડ્રગ્સનો જથ્થો બહાર કાઢ્યો હતો. આ ઓપરેશન 12- 13 એપ્રિલે હાથ ધરાયું હતું.
કોસ્ટ ગાર્ડે એક પ્રકાશનમાં જણાવ્યું હતું કે જપ્ત કરાયેલી પ્રતિબંધિત વસ્તુ 'મેથામ્ફેટામાઇન' હોવાની શંકા છે અને તેને વધુ તપાસ માટે ATSને સોંપવામાં આવી છે. ATS અને કોસ્ટ ગાર્ડે 12 અને 13 એપ્રિલની રાત્રે ગુજરાતના દરિયાકાંઠે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખા (IMBL) નજીક સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી.
કોસ્ટ ગાર્ડના જહાજને નજીક આવતા જોઈને, દાણચોરોએ પ્રતિબંધિત સામગ્રી દરિયામાં ફેંકી દીધી અને IMBL તરફ ભાગી ગયા, એમ રિલીઝમાં જણાવાયું છે.
1800 કરોડ રૂપિયાની કિંમતના ૩૦૦ કિલોથી વધુ માદક દ્રવ્યો જપ્ત કરવામાં આવ્યા હોવાનું પ્રકાશનમાં જણાવાયું છે.