શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 25 જાન્યુઆરી 2020 (10:47 IST)

તીડ ભગાડવા થાળી વગાડનાર જીતુ વાઘાણીને જગાડવા અને રૂપાણીજીને ભગાડવા ભાજપના જ ધારાસભ્યો થાળીઓ ખખડાવી રહ્યા છે- જયરાજસિંહ

ભારતીય જનતા પક્ષના સંગઠન અને સરકારની હાલત એક સાંધે ને તેર તુટે એવી થઈ છે. એમાંય વિજય રૂપાણીએ ટવેન્ટી ટવેન્ટી રમવાની જાહેરાત કરી ત્યારથી ભાજપ પ્રીમિયર લીગ ફોર્મમાં આવી ગઈ છે. સૌ જાણે જ છે કે ખરેખર તો વિજય રૂપાણી બારમા ખેલાડી હતા પણ સીલેક્શન કમીટીએ પક્ષપાત કરી ઉપકપ્તાનને પડતાં મુકી સીધા તેમને કેપ્ટન બનાવી દીધા. બસ, ત્યારથી જ આ મેચ રસપ્રદ બની છે.
 
પ્રારંભે જ નિતિન પટેલે સારા ખાતા (જેની વ્યાખ્યા શું એ નિતિન પટેલ જાણે) ની માંગણી સાથે ભાજપના નેતાઓનું નાક દબાવવા દબાણ કર્યું. મહદંશે સફળ થયા. ત્યારબાદ પુરુષોત્તમ સોલંકીએ અસંતોષનું નાટક કરી સામાજીક દબાણ ઉભુ કર્યું. માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ, વાઘોડીયાના મધુ શ્રીવાસ્તવે પણ આજ પ્રયુક્તિ અપનાવી વ્યક્તિગત મહત્વાકાંક્ષા સંતોષી. અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી પણ આજ  માળાના મણકા સાબિત થયા છે. 
 
આ ઉપરાંત આઈ. કે. જાડેજાએ રોડ રસ્તાના કામ ના થતાં હોવાની ટ્વીટ કરી જે તેઓ વિજય રૂપાણીને રૂબરૂ પણ કહી શક્યા હોત. સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવીએ ભાજપ શાસિત સુરત મહાનગરપાલિકાના કચરાપેટી ખરીદીનો ભ્રષ્ટાચાર ઉજાગર કરી ભાજપ સરકારનો જ કચરો કરી નાખ્યો. ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, અરૂણસિંહ રાણા અને ઈશ્વર પટેલે પ્રદુષણ નિયંત્રણ બોર્ડના ભ્રષ્ટાચાર પર સવાલ ઉભા કરી સરકારી વહીવટ કેટલો પ્રદુષીત છે તે જગજાહેર કર્યુ. 
 
વળી ભાવનગરના ડેપ્યુટી મેયરે તો ખુલ્લેઆમ વેચાતા દારૂ બાબતે રૂપાણી સરકાર અને વાઘાણીને ઘેર્યા. હાલમાં જ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેને " પીવા મળે છે ? " એવો જાહેર પ્રશ્ન પુછી વિજય રૂપાણીને આંખ કાન ખુલ્લા રાખવાનું ગર્ભિત સુચન કર્યું. કુંવરજી બાવળીયાએ ભરી કેબીનેટ મિટિંગમાં જ મારા કામ અધિકારીઓ કરતાં નથી કહી બળાપો કાઢ્યો.
 
આ જ કડીના ભાગરૂપે કેતન ઈનામદારે પણ રાજીનામાની લાકડાની તલવાર વડે ભાજપની શિસ્તનો શીરચ્છેદ કરી જીતુ વાઘાણીનું બ્લડપ્રેશર ઘટાડી દીધું અને પગે સોજા લાવી દીધા. પ્રજાના કામ નહીં થતા હોવાનો અને " અધિકારી રાજ " હોવાનો દાવો કરી તેમના પુરોગામીઓએ ભજવેલા સફળ નાટક નુ પુનરાવર્તન કરી પોતાના પક્ષે સુખદ અંત આણ્યો. પક્ષ પ્રમુખનું બ્લડપ્રેશર ઘટાડવા કઈ નસ દબાવવી પડે તે ઈનામદારે બતાવ્યું. ઈનામદારે જેવો નસ ઉપરથી હાથ લીધો કે તુરતજ મધુ શ્રીવાસ્તવે હાથ મુકી દીધો. કેતનભાઈ તો થોડા સૌમ્ય છે પણ મધુભાઈને તો વાઘાણી અને રૂપાણી સમેત આખી ભાજપ ઓળખે જ છે.
 
પહેલા ટીકીટ માટે દાદાગીરી કરી ભાજપ પક્ષના લમણે બંદૂક મૂકી , ટીકીટ મળ્યા બાદ લોકો સાથે વોટ લેવા દાદાગીરી કરીને પ્રજા મત ના આપે તો જોઈ લેવાની ધમકી , ધારાસભ્ય થયા બાદ ગુજ એગ્રો. ના ચેરમેન થવા દાદાગીરી અને હવે કામ નથી થતાં એટલે અધિકારીઓની ધોલાઈ કરવાની ધમકી આપનાર મધુ શ્રીવાસ્તવ રૂપાણી સરકારના ગળામાં ફસાયેલુ હાડકું છે. 
 
ભાજપ માટે હું ઘણીવાર જેલમાં ગયો છું એવું નિવેદન કરનાર મધુ શ્રીવાસ્તવે પક્ષે એવા ક્યા ગુન્હાહીત કોન્ટ્રેક્ટ તેમને સોંપ્યા હતા અને કેમ તે પણ જાહેર કરવું જોઈએ. મધુભાઈ કોઈ દીવસ ધરણા સત્યાગ્રહ કરીને જેલમાં ગયા હોય તેવું તો યાદ નથી આવતું તો ક્યા ક્યા ગુન્હા માટે જેલ ગયા ? આ ગુન્હા કરવા પક્ષના ક્યા ક્યા નેતાઓ એ તેમની ઉશ્કેરણી કરી? તે કહીને મધુભાઈ દબંગઈ દેખાડે. ટોલબુથ પર બંદૂક કાઢી ધમકી આપનાર રાજ્યના એક કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ પણ હાલમાં " ફાસ્ટટેગ " ના મુદ્દે આવી જ દાદાગીરી આચરી હતી. 
 
આ જોતાં એવું ચોક્કસ લાગે કે ભાજપ કાંતો આવા દબંગો થી ડરે છે અથવા તો આજ એમની પસંદ અને સંસ્કૃતિ છે. ભાજપ અને મોદીજીની અપાર લોકપ્રિયતા હોવાનો દાવો કરતી ભાજપ કેમ સત્તા મેળવવા અને ટકાવવા કેમ અપરાધિકારણનું શરણું લેવા મજબુર છે એ સ્પષ્ટ કરવું જોઈએ.
 
ભાજપે રાજનીતિ અને અપરાધિકારણનું સંયોજન કર્યું છે.
આ તમામ ઘટનાક્રમ જોતાં સ્પષ્ટ થાય છે કે ભાજપના સંગઠન પર વાઘાણીનો અને સરકાર પર રૂપાણીનો કોઈ કાબુ રહ્યો નથી. અડધી પીચ પર રમવાની શેખી મારનાર મુખ્યમંત્રીને કોઈના ઈશારે દાવ ડીકલેર કરવા મજબૂર થાય તેવી યોજના આકાર લઈ રહી હોય તેવા સંકેતો જોવાઈ રહ્યા છે. રૂપાણી - વાઘાણીના લમણે રાજકીય નાળચુ તાકી ધાર્યું કરાવવાનો રોગ વાયરસ બની ફેલાઈ રહ્યો છે. 
 
ભાજપના જ ધારાસભ્યો, મંત્રીઓ, જનપ્રતિનિધીઓ જ સરકારની નિષ્ફળતા જાહેરમાં ઉજાગર કરી રહ્યા છે અને રૂપાણી હવામાં બેટ વીઝી રહ્યા છે. ભાજપના સમયાંતરે થતા ભડકા જોઈને એવું લાગે છે કે વિજય રૂપાણીએ ૧૯૧ કરોડના હેલીકોપ્ટર ની જગ્યાએ ફાયર ફાઈટરો વસાવવાની જરૂર હતી જે ભાજપની આગ અને ભડકા બુઝાવી શકે. ખેતરોમાં તીડ ભગાડવા થાળીઓ વગાડનાર જીતુ વાઘાણીને જગાડવા અને રૂપાણીને ભગાડવા તેમના જ ધારાસભ્યો થાળીઓ વગાડી ઘરેથી હોસ્પિટલ અને હોસ્પીટલથી વડોદરા વચ્ચે દોડાવી રહ્યા છે. ભાજપ નાટકમંડળી બની મનોરંજન પુરુ પાડી રહી છે.
 
આ તમામ દ્રષ્ટિએ વિપક્ષી ધારાસભ્યોને ખરેખર અભિનંદન આપવા જોઈએ કે આ રણીધણી વગરની સરકાર પાસેથી પણ પોતાની કુનેહ વડે પ્રજાના કામ કરાવી રહ્યા છે. પ્રજા માટે સંઘર્ષ કરી રહ્યા છે. રાજીનામાની ભાગેડુવૃત્તિ ના બદલે મેદાનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. બધા ધારાસભ્યો અને નેતાઓની બળવો કરવાની એક સરખી " મોડસ ઓપરેન્ડી " પરથી એવું લાગે છે કે આ બંનેને ખસેડવાનો તખ્તો દિલ્હીથી ગોઠવાઈ ગયો છે અને ત્યાંથી જ લખાયેલી સ્ક્રીપટ પ્રમાણે નાટક ચાલી રહ્યું છે. આ બધામાં એમની રાજકીય સત્તા ટકાવવા અને ભ્રષ્ટાચાર કરવા જે સોગઠા ગોઠવે એ એમને મુબારક પણ આમાં ગુજરાતની જનતાનો કચ્ચરઘાણ નીકળી રહ્યો છે એની ચિંતા છે .