મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગાંધીનગર , ગુરુવાર, 22 ઑગસ્ટ 2024 (15:42 IST)

ટૂંકી મુદતના પ્રશ્નો મુદ્દે હોબાળો થતાં વિધાનસભામાંથી કોંગ્રેસના ધારાસભ્યો એક દિવસ માટે સસ્પેન્ડ

congress blam on bjp govt
congress blam on bjp govt
ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે બીજો દિવસ છે. ગૃહમાં ટુંકી મુદતના પ્રશ્નો રદ થવા મામલે કોંગ્રેસે સવાલો ઉઠાવી બેનરો સાથે સુત્રોચ્ચાર કર્યા હતાં. ત્યાર બાદ વિપક્ષના ધારાસભ્યોએ વોકઆઉટ કર્યું હતું. બાદમાં વિધાનસભા અધ્યક્ષ દ્વારા ગૃહમાં મતદાન દ્વારા કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
 
કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાંથી વોક આઉટ કર્યું
વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ ધારાસભ્યોના ટૂંકી મુદ્દતના પ્રશ્નો રદ્દ થતાં પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો. અધ્યક્ષે જણાવ્યું હતું કે, નિયમ વગર કામ ન કરી શકાય, કાર્યવાહી વિધાનસભાના નિયમો પ્રમાણે ચાલે છે, હું ચર્ચા કરવાનો મોકો આપીશ. આ તરફ પ્રશ્નો રદ થતાં કોંગ્રેસના ધારાસભ્યોએ બેનર દર્શાવ્યા હતા. અધ્યક્ષે જણાવ્યું હતું કે, પહેલેથી નક્કી કરી બેનર બતાવો તે યોગ્ય નથી. વિધાનસભા અધ્યક્ષે સાર્જન્ટને બેનર લઈ લેવા સૂચના આપી હતી. જેને લઈને કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાંથી વોક આઉટ કર્યું હતું.
 
સસ્પેન્ડ કરવા સંસદિય મંત્રીએ પ્રસ્તાવ મુક્યો
કોંગ્રેસના ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવા સંસદીય મંત્રી ઋષિકેશ પટેલે પ્રસ્તાવ મુક્યા બાદ અધ્યક્ષ દ્વારા કાર્યવાહી કરાઇ છે.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૃહમાં કહ્યું હતું કે, સંસદીય મંત્રીએ જે દરખાસ્ત મૂકી છે એને હું ટેકો જાહેર કરું છું. બીજું એ કહેવા માગુ છું કે, સરકારે કમટી બનાવી છે. આ કિસ્સો સરકારે પકડ્યો છે. સામાન્ય માણસની ચિઠ્ઠીને આધારે આખી તપાસ શરૂ કરી છે. આ ચર્ચા ગૃહમાંથી લાવવાથી કેટલાક લોકોને બચવાનો રસ્તો મળી શકે એમ છે. જાણી જોઈને આ રીતે ગૃહનો સમય બગાડવો અને પ્રજાના પ્રશ્નોની ચર્ચા રોકવાનો પ્રયાસ છે.
 
કોનો પ્રશ્ન લેવો કે ન લેવો તે નિયમ પ્રમાણે નક્કી થાય છે- રમણલાલ વોરા
વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ ટૂંકી મૂદતના પ્રશ્ન બાબતે કહ્યું હતું કે, આજે બે જ પ્રશ્ન દાખલ થયા છે. કોંગ્રેસનો એક પણ પ્રશ્ન દાખલ કરવામાં આવ્યો નથી. ત્યારે અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું હતું કે, ટૂંકી મૂદતના પ્રશ્ન જવાબ મંત્રીની સહમતીથી દાખલ કરવામાં આવે છે. અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, અમારા 12 પ્રશ્ન છે એક પણ પ્રશ્ન દાખલ કરવામાં આવ્યો નથી. ગઈ કાલે અતિવૃષ્ટિનો પ્રશ્ન દાખલ કરવામાં આવ્યો ન હતો. ભાજપના ધારાસભ્ય રમણલાલ વોરાએ જણાવ્યું હતું કે, પ્રશ્નોત્તરી શરૂ થાય અને પૂર્ણ થયા બાદ જ પોઇન્ટ ઓફ ઓડર ઉઠાવી શકાય છે. કોનો પ્રશ્ન લેવો કે ન લેવો તે નિયમ પ્રમાણે નક્કી થાય છે. 
 
આજે એક પણ પ્રશ્ન દાખલ કરવામાં આવ્યો નથી- કોંગ્રેસ
કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, ટૂંકી મૂદતના પ્રશ્નોથી પ્રજાના પ્રશ્નોને વાચા આપી શકાય છે. પ્રશ્નોના જવાબ આપવા માટે મંત્રીઓ કેમ ડરે છે. જવાબ આપવામાં મંત્રીઓ કેમ ભેદભાવ રાખે છે. ગઈ કાલે એક પ્રશ્નની ચર્ચા થઈ પણ આજે એક પણ પ્રશ્ન દાખલ કરવામાં આવ્યો નથી. મંત્રી બળવંતસિંહ રાજપુટ જણાવ્યું હતું કે, ગમે તે પ્રશ્ન હોય અમે જવાબ આપીએ છીએ. અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, અગ્નીકાંડ, દાહોદમાં નકલી કચેરી, ડ્રગ્સ, દુષ્કર્મ જેવા વિષય પર તાકીદ ચર્ચા થવી જોઈએ. વિધાનસભા અધક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે, ટૂંકી મૂદતના પ્રશ્નનો જવાબ મંત્રીએ આપવો પડશે એવો કોઈ અધિકાર નથી. એક પણ પ્રશ્ન કોંગ્રેસનો આવ્યો નથી એવું નથી એની એક મર્યાદા હોય છે.