ગુજરાતમાં કોરોનાનો ડિસ્ચાર્જ અને મૃત્યુદર બન્ને ભારતમાં સૌથી ઉંચો

corona
Last Modified ગુરુવાર, 21 મે 2020 (16:01 IST)
ગુજરાતમાં લોકડાઉનના છૂટછાટના બીજા દિવસે પણ કોરોનાએ તેનો 300થી વધુનો સ્કોર જાળવી રાખતા ગઈકાલે સાંજે પુરા થતા 24 કલાકમાં વધુ 398 કેસ નોંધાયા હતા અને આ સાથે રાજયમાં કોરોનાના કુલ કેસ 12539 નોંધાયો. ગઈકાલના સતાવાર આંક મુજબ વધુ 30 મોત થયા છે. રાજયએ આ સાથે મૃત્યુઆંક 749 થયો છે અને આ રીતે દેશમાં કોરોનાના કુલ પોઝીટીવ કેસમાં ગુજરાત ત્રીજા નંબરે અને મૃત્યુમાં બીજા નંબરે રહ્યું છે.
સૌથી મોટી ચિંતા અમદાવાદ બની રહી છે. જયાં ગઈકાલે ગુજરાતના કુલ કેસમાં 271 ફકત અમદાવાદમાં જ નોંધાઈ છે અને આ મહાનગરમાં કુલ 9216 પોઝીટીવ કેસ થયા છે તો મૃત્યુ ગઈકાલના 26 મૃત્યુ સાથે જીલ્લામાં કુલ 602 મૃત્યુ થયા છે અને છેલ્લા 10 દિવસમાં 221 મૃત્યુ થયા છે.
આમ કોરોના મૃત્યુની દ્રષ્ટીએ અમદાવાદ સૌથી ઉંચો 6.5%નો દર ધરાવે છે જે મુંબઈનો મૃત્યુદર 3.5%, દિલ્હીનો 1.6% અને ચેન્નઈનો 0.7% છે. અમદાવાદની સિવિલ હોસ્પીટલમાં સૌથી વધુ 11 મૃત્યુ નોંધાયા છે. ગુજરાતે ગઈકાલે 6098 ટેસ્ટ કર્યા હતા. આમ ટીકા થયા બાદ રાજય સરકારે ટેસ્ટનો ગ્રાફ ઉંચો લઈ જવાનો પ્રયાસ કર્યો છે. હજુ એપ્રીલ માસના અંતે કોરોના ફ્રી જાહેર થયા બાદ કચ્છમાં ઓચિંતા જ હવે 20 દિવસમાં 57 પોઝીટીવ કેસ નોંધાયા છે.
વાસ્તવમાં મુંબઈમાં વસતા કચ્છના લોકો વતનમાં આવ્યા પછી આ કેસ મળ્યા છે. ગુજરાતમાં ડિસ્ચાર્જ રેટ સતત વધતો રહ્યો છે. તા.20 એપ્રીલે રાજયમાં 131 લોકો ડિસ્ચાર્જ થયા હતા જે કુલ કેસના 6.8% હતો પણ તે બાદ ખાસ કરીને ડિસ્ચાર્જની નવી પોલીસી અમલમાં આવ્યા બાદ 40% કે તેથી ઉપરનો ડિસ્ચાર્જ રેટ છે જે દેશમાં સૌથી ઉંચો છે.
ગુજરાતમાં આ રીતે કોરોના પોઝીટીવના ઉંચા મૃત્યુદર અને ઉંચા ડીસ્ચાર્જ રેટ બન્ને જબરી વિરોધાભાસી સ્થિતિ સર્જે છે. જો 40-41%ના દરે દર્દીઓ સ્વસ્થ થઈ રહ્યા હોય તો શા માટે મૃત્યુદર ઉંચો થાય છે તેનો યોગ્ય જવાબ રાજય સરકાર પાસે નથી તે નિશ્ચિત થયું છે.


આ પણ વાંચો :