શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 20 માર્ચ 2020 (06:35 IST)

કોરોનાનો કહેર: 31 માર્ચે યોજાનાર તમામ પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતીમાં ગુજરાતમાં સાવચેતી અને તકેદારીના આગોતરા પગલાં સાથે કેટલાંક અતિ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં યોજાયેલી આ બેઠકમાં લેવાયેલા અન્ય મહત્વના નિર્ણયો અનુસાર રાજ્ય સરકારની સેવાઓમાં વિવિધ સંવર્ગમાં ભરતી માટેની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા જે તા. ૩૧ માર્ચ-ર૦ર૦ સુધીમાં લેવાનારી હતી તે બધી જ પરિક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. આ પરિક્ષાઓ આગામી તા. ૧૪મી એપ્રિલ-ર૦ર૦ પછી લેવામાં આવશે.
 
ગુજકેટની જે પરિક્ષાઓ તા.૩૦મી માર્ચે-ર૦ર૦ લેવાની જાહેરાત કરાઈ હતી તે પરિક્ષાઓ પણ મોકૂફ રાખવામાં આવી છે. ગુજરાતમાં કોરોના વાયરસનો ફેલાવો કે વ્યાપ અન્ય રાજ્યોમાંથી આવતા વ્યકિત-મુસાફરો મારફત ન ફેલાય તેની કાળજી રાખીને રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમની મહારાષ્ટ્ર તરફ જતી બસ સેવાઓ બંધ કરવામાં આવી છે. અન્ય રાજ્યોમાંથી આવતી ખાનગી પેસેન્જર ટ્રાન્સપોર્ટ બસ સેવાઓના પેસેન્જરોનું રાજ્યની ૧૬ ચેકપોસ્ટ પર સ્કીનીંગ કરવામાં આવશે તેવો મહત્વનો નિર્ણય પણ બેઠકમાં લેવામાં આવ્યો છે.
 
મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાતમાં આગોતરા આરોગ્ય તકેદારીના પગલાંઓને પરિણામે કોરોના વાયરસને ફેલાતો અટકાવવામાં સફળતા મળી છે પરંતુ હજી જનસહયોગથી વધુ ચોકસાઇ રાખીને ગુજરાતમાં કોરોના વાયરસનો પગપેસારો ન થાય તેની પુરતી કાળજી રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ રાખી રહ્યા છે.  
 
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે મહત્વની જાહેરાત કરી છે. તેમણે વિધાનસભામાં જણાવ્યુ હતુ કે, કોરોનાના લક્ષણો અથવા શંકાસ્પદ દર્દીઓને રંગીન કલરના રબ્બરના કડા આપવામાં આવશે. આ મામલે નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે આરોગ્ય વિભાગને સૂચના આપી છે. કડા પહેરાવવાથી દર્દીઓની ઓળખ સરળ બનશે. ત્યારે દર્દીઓ જાહેરમાં ફરે નહી તે માટે કડા પહેરાવાશે.