શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 16 એપ્રિલ 2020 (12:16 IST)

અમદાવાદ શહેરના સાત પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ફયૂ, કર્ફયૂ ભંગના ૧૭ ગુના દાખલ

અન્ય સ્થળોએ કર્ફયૂ ન લગાડવો પડે એ માટે લૉકડાઉનના ચુસ્ત અમલમાં સહયોગ આપો: શિવાનંદ ઝા
 
સમગ્ર દેશનું એક જ ધ્યેય છે, કોરોના સંક્રમણ સામે યુદ્ધ. રાજ્યમાં લૉકડાઉનનો ચુસ્ત અમલ થાય તે માટે પોલીસ સંનિષ્ઠ પ્રયાસો કરી રહી છે. રાજ્યમાં કોરોના સંક્રમણ વધુ ફેલાય નહિ અને અન્ય સ્થળોએ કર્ફયૂ લગાડવો ન પડે તે માટે પ્રજાજનોને સહયોગ આપવા શિવાનંદ ઝાએ અપીલ કરી છે.
 
લૉકડાઉનના અમલ અંગે મીડિયાને માહિતી આપતા શિવાનંદ ઝાએ કહ્યું કે, અમદાવાદ શહેરમાં સંક્રમણને વધતું અટકાવવા માટે કોટ વિસ્તારમાં કર્ફયૂ લગાવાયો છે. શહેરના સાત વિસ્તારોમાં કર્ફયૂનો ચુસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે ત્યારે મહિલાઓને કર્ફયૂ દરમિયાન અપાયેલ છૂટછાટ સમયે જીવનજરૂરી ચીજવસ્તુઓની ખરીદી માટે જાય ત્યારે યોગ્ય સોશ્યલ ડિસ્ટન્સ જાળવે અને જ્યાં લાઈન હોય ત્યાં પણ અંતર રાખે. શહેરમાં કર્ફયૂ ભંગના ૧૭ ગુનાઓ પણ નોંધવામાં આવ્યા છે.
 
સમગ્ર દેશમાં લૉકડાઉનનો ચુસ્ત અમલ થઈ રહ્યો છે ત્યારે ગુજરાતના સુરત શહેર સહિતના જુદાજુદા શહેરોમાં વસતા અન્ય રાજ્યોના શ્રમિકોને ખાસ વિનંતી છે કે રેલ, વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ છે એટલે આપ આપના વતનમાં જઈ શકશો નહીં, ત્યારે જ્યાં છો ત્યાં ને ત્યાં જ રહો. તંત્ર દ્વારા લેબર કોન્ટ્રાક્ટરો અને કારખાના માલિકો સાથે સંવાદ સાધી આપના માટે ખાવા-પીવાની તથા અન્ય વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. આપના વતનમાં જશો તો ત્યાં પણ આપના ગામમાં પ્રવેશ મળશે નહીં એટલે કોઈની વાતોમાં આવવાનો પ્રયાસ કરી લૉકડાઉનનો ભંગ કરશો નહીં.
 
તેમણે કહ્યું કે રાજ્યના એપીએમસીમાં ખેતપેદાશોની ખરીદીની પ્રક્રિયા શરૂ થઇ ગઈ છે તથા અન્ય જગ્યાએ ખરીદી તથા વેચાણ થાય છે તે જગ્યાએ પણ ભીડ ન થાય એ માટે પૂરતો બંદોબસ્ત પણ ફાળવી દેવાયો છે. તબલીગી જમાત સંદર્ભે મહારાષ્ટ્રના ભૂસાવળ ખાતે ગાંધીનગરના બે અને મહેસાણાના બે વ્યક્તિઓ ગયા હતા તેમની ઓળખ થઈ ગઈ છે અને તેમની સામે લૉકડાઉનના ભંગ અંગે ગાંધીનગરમાં બે અને મહેસાણામાં એક ગુનો નોંધવામાં આવ્યો છે.
 
લૉકડાઉનના ચુસ્ત અમલ માટે ડ્રોન અને CCTV દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ડ્રોનના ફૂટેજના આધારે ગઈકાલે ૨૯૫ સહિત આજ સુધીમાં ૫૫૬૧ ગુના દાખલ કરીને ૧૨,૧૬૯ લોકોની અટકાયત કરાઈ છે. એ જ રીતે સીસીટીવી ફૂટેજની મદદથી ગઈકાલે ૬૯ ગુના સાથે આજ દિન સુધીમાં ૯૧૩ ગુના દાખલ કરીને ૧૬૭૫ લોકોની અટકાયત કરાઈ છે તેવી જ રીતે સોશ્યલ મીડિયા મોનિટરિંગ સેલ દ્વારા અફવા અને ખોટી માહિતી ફેલાવનારાઓ સામે આજ સુધીમાં ૨૯૨ ગુના દાખલ કરી ૫૬૮ની અટકાયત કરી જુદા જુદા સોશિયલ મીડિયાના ૧૯ એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યા છે અને ANPR દ્વારા ૨૪ ગુના સાથે આજદિન સુધી ૮૪ ગુના તથા વિડીયોગ્રાફી દ્વારા પણ ૨૦ ગુના સાથે આજદિન સુધી કુલ ૧૦૫ ગુના દાખલ કર્યા છે.
 
જાહેરનામા ભંગ સંદર્ભે ૨૫૨૭ ગુના, કોરોન્ટાઈન ભંગના ૭૭૫ ગુના અને અન્ય ૪૫૨ ગુના મળી કુલ ૩૭૫૪ ગુના દાખલ કરાયા છે. આજ સુધીમાં કુલ ૫૫,૧૧૭ ગુના નોંધીને ૫૨૯૩ આરોપીઓની અટકાયત તથા ૨૨૬૧ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.