મંગળવાર, 2 ડિસેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 3 જૂન 2020 (13:38 IST)

વાવાઝોડાની ઘાત ટળતાં દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે મધ્યમ વરસાદની આગાહી

Cyclone Nisarga  Updates
અરબી સમુદ્રમાં સક્રિય થયેલા નિસર્ગ વાવાઝોડાની દિશા બદલાઈ જતાં હવે માત્ર મહારાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં જ ત્રાટકશે. જેથી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના માથેથી ચક્રવાતનું મોટું સંકટ દૂર થતાં શહેરીજનો સાથે તંત્રે રાહતના શ્વાસ લીધા છે. સુરત કલેક્ટર ડો. ધવલ પટેલે જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં ચક્રવાતના કારણે 70થી 90 કિમીની ઝડપે પવન સાથે મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. સુરત ક્લેક્ટર ડો. ધવલ પટેલે ઓડિયો મેસેજ થકી માહિતી આપતાં જણાવ્યું હતું કે, વાવાઝોડાના પગલે શહેરમાં અને દરિયા કાંઠાના વિસ્તારોમાં 70થી 90ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે. જેથી લોકોએ સાવધાની રાખવી હિતાવહ છે. સુરત દરિયાકાંઠા વિસ્તારના અને કાચા મકાનોમાં રહેતા લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યાં છે. લોકોએ ઝાડ નીચે ન ઉભું રહેવાથી લઈને ઘરના બારી બારણા બંધ રાખવા સહિતની તમામ બાબતોની તકેદારી રાખવા માટે સૂચના આપી છે.  નિસર્ગ ચક્રવાતને લઇ દક્ષિણ ગુજરાતના તિથલ, ડુમસ અને સુવાલીના બીચ બંધ કરી દેવામાં આવ્યા હતા. મોટા હોર્ડિંગ્સ, હાઇમાસ્ટ ટાવર ઉતારવા સાથે વૃક્ષોના ટ્રિમિંગની મોટાપાયે કામગીરી હાથ ધરાઇ હતી. એટલું જ નહીં એનડીઆરએફ-એસડીઆરએફની ટીમો પણ સુરતમાં ઉતારી દેવાઇ હતી.  દક્ષિણ ગુજરાત તરફ આવી રહેલુ નિસર્ગ વાવાઝોડું મહારાષ્ટ્ર તરફ ફંટાઇ ગયું છે. જોકે, વાવાઝોડાના કારણે સુરત જિલ્લામાં 35 કિમીની ઝડપે પવન ફુંકાવાની શક્યતા રહેલી છે. આ પરિસ્થિતિને ધ્યાને લઇને જિલ્લા કલેકટર ડો. ધવલ પટેલ દ્વારા સુરત જિલ્લના દરિયા કાંઠાના 3 કિમીના વિસ્તારમાં રહેતા લોકોનું સુરક્ષિત સ્થળો પર મોકલી આપ્યા છે. જેમાં મજુરા તાલુકાના ડુમસ, સુલતાનાબાદ, મગદલ્લા અને ખજોદમાંથી 370 લોકો, ચોર્યાસી તાલુકાના હજીરા, સુવાલી, દામકા, વાંસવા, અને ઉબેરમાંથી 167, તથા ઓલપાડ તાલુકાના દાંડી, લવાછા, ભગવા, દેલાસા, મોરા, પારડી ઝાંખરી, કરંજ,માંથી 1135 લોકો મળી કુલ 1672 લોકોનું સ્થ‌ળાંતર કરવામાં આ‌વ્યું છે. આ લોકો માટે કુલ 21 આશ્રય સ્થાનો બનાવવામાં આવ્યા છે.