1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 4 નવેમ્બર 2019 (15:14 IST)

ડિમોલિશનના મુદ્દે દમણવાસીઓ લાલચોળ :144 ની કલમ લાગુ કરાઈ

દમણમાં ૧૩૦ જેટલાં મકાનો સરકારી જગ્યા પર બંધાયેલાં હતાં જેની દમણ પ્રશાસન દ્વારા મેગા ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેને પગલે ઘરથી બેઘર બનેલા લોકોએ પ્રશાસન સામે રોષ ઠાલવ્યો હતો. ગતરોજ બપોરથી નાની દમણથી મોટી દમણને જોડતો રાજીવ ગાંધી બ્રિજ પર લોકોએ ચક્કાજામ કર્યો હતો. તો દમણમાં ચક્કાજામ બાદ તંગ સ્થિતિ જોવા મળી. તેથી પ્રશાસન દ્વારા ૧૪૪ ધારા લાગુ કરાઈ છે.

ડિમોલિશનના વિરોધને પગલે દમણમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બીજી તરફ દમણવાસીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો છે. ચક્કાજામમાં આવેલા લોકોની અટકાયત કરાઈ છે. ચક્કાજામ કરી પ્રશાસનનો વિરોધ કરતા લોકોને હટાવવા માટે પોલીસ દ્વારા બળનો પ્રયોગ કરાયો હતો. પોલીસ દ્વારા ટોળું વિખેરવા માટે પાણીનો મારો કરવામાં આવ્યો હતો.

‘દમણ પ્રશાસક પ્રફુલ પટેલ ગો બૅક’ના ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા છે. બીજી તરફ દમણમાં લોકોની અટકાયત વખતે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આમ દમણ ખાતે ધારા ૧૪૪ લાગુ કરાયા બાદ લોકો અને તંત્ર આમનેસામને આવ્યાની પરિસ્થિતિ સર્જાઈ છે. ૭ જેટલી સ્કૂલોને તત્કાલીન જેલમાં પરિવર્તિત કરવામાં આવી છે.

લોકોને સમજાવવા માટે દમણના મામલતદાર ઠક્કર પણ લોકો પાસે પહોંચ્યા હતા, પરંતુ લોકોએ તેમની વાત સમજવાનો ઇનકાર કર્યો હતો. બાદમાં ડેપ્યુટી કલેક્ટર ચાર્મી પારેખ પણ ટોળાને સમજાવવા પહોંચ્યાં હતાં.