1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 5 જાન્યુઆરી 2022 (10:12 IST)

દેવગઢ બારિયાના દેગાવાડા ગામે ઘર કંકાસથી કંટાળીને માતાએ પુત્ર-પુત્રી સાથે કૂવામાં પડતું મુક્યું, ત્રણેયનાં મોત

દેવગઢ બારિયા તાલુકાના દેગાવાડા ગામમાં એક મહિલા અને તેનાં પુત્ર-પુત્રીની કૂવામાંથી લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. ગૃહ ક્લેશને કારણે મહિલા તેનાં બાળકોને લઇને કૂવામાં કૂદી ગઇ હોવાની ચર્ચાઓ સાંભળ‌વા મળી છે. જો કે આપઘાત પાછળનું સાચું કારણ સામે આવ્યું નથી. દેવગઢ બારિયા પોલીસે ત્રણેના મૃતદેહને કૂવામાંથી કઢાવીને પોસ્ટમોર્ટમ માટે મોકલીને હાલ અકસ્માતે મોત અન્વયે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.

દેવગઢ બારિયા તાલુકાના દેગાવાડા ગામમાં રહેતી 30 વર્ષિય મીનાક્ષીબેન સંજયભાઇ અને તેની 6 વર્ષિય પુત્રી અન્સીયા અને પુત્ર ભાવિકની ગામના કૂવામાંથી લાશ મળી આવતાં અરેરાટી ફેલાઇ ગઇ હતી. ગૃહ ક્લેશને કારણે મીનાક્ષીબેન, અન્સીયા અને ભાવિક સાથે કૂવામાં કૂદી ગઇ હતી અને પાણીમાં ડૂબી જવાને કારણે મોત થયું હોવાની ચર્ચાઓ સાંભળવા મળી રહી છે. આ બનાવની જાણ થતાં દેગાવાડા ધસી ગયેલી પોલીસે ત્રણેની લાશ કૂવામાંથી કઢાવી હતી. આ ઘટના પગલે મૃતકના પરિવાર સાથે ગામમાં પણ શોકની લાગણી ફેલાઇ હતી.

માતા-સંતાનોના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે દેવગઢ બારિયાના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. દેગાવાડાની ઘટનામાં પોલીસે તલસ્પર્શી તપાસ આદરી છે. જો ગૃહ ક્લેશને કારણે જ આ અવિચારી પગલું ભર્યું હોય તો પતિ કે સાસરી પક્ષના કોઇ વ્યક્તિ વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ થવાની શક્યતાઓ સાથે નાના ભૂલકાઓને લઇને કૂવામાં કૂદી ગયેલી માતા સામે પણ હત્યાનો ગુનો દાખલ કરાય તેવી આશંકા છે.