શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 2 જૂન 2021 (10:49 IST)

લોકગીતો, ભજનોથી ઘર-ઘરમાં જાણીતાં બનેલા લોકગાયિકા દિવાળીબેન ભીલનો આજે જન્મદિવસ

આજે ગુજરાતના જાણિતી કલાકાર અને જેને ગુજરાતની કોયલની ઉપમા મળી છે. લોકગીતો, અને ભજનોની ઘર ઘરમાં જાણિતા બનેલા એવા દિવાળીબેન ભીલનો આજે જન્મદિવસ છે. 2 જૂન 1943 માં ગુજરાતના ધારી તાલુકાના દલખાણીયા ગામમાં તેમનો જન્મ થયો હતો. તેમની મૂળ અટક લાઢીયા હતી. તેમણે નાનપણથી માતાથી પ્રેરિત થઇને નાની ઉંમરે ગાવાની શરૂઆત કરી હતી. તેમણે પ્રાથમિક શિક્ષણ અધુરું છોડ્યું હતું. નવ વરસની ઉંમરે પિતાને જુનાગઢ રેલ્વેમાં નોકરી મળવાથી એમની સાથે જુનાગઢ આવી ગયા.
 
પુંજાભાઇએ જૂનાગઢ આવી પુત્રી દિવાળીબેનને રાજકોટ પરણાવ્યા હતા. પરંતુ પુંજાભાઇને વેવાઇ સાથે વાંધો પડતાં દિવાળીબેનનાં લગ્ન તોડી નાખ્યા હતાં. દિવાળીબેન માત્ર બે દિવસ સાસરે રહ્યાં પછી પિયર પરત આવી ગયાં. અને ભાઇ સાથે જૂનાગઢમાં રહેવા લાગ્યાં. ત્યારપછી તેમણે ક્યારેય લગ્ન કરવાનો વિચાર નહોતો કર્યો. 
 
દિવાળીબેન અભણ હોવાથી ભાઇને આર્થિક રીતે મદદ કરી શકાય તે માટે નાની-મોટી નોકરી કરતા હતા. તેમજ ડોકટરને ત્યાં દવાખાનામાં કામવાળી તરીકે પણ નોકરી કરી હતી. અભણ હોવા છતાં દિવાળીબેન દવાખાનાનું તમામ કામ કરી જાણતા હતા. ઉપરાંત બાલમંદિરમાં નોકરી કરી, નર્સોને ત્યાં રસોઇ બનાવવા જેવી નોકરીઓ પણ કરી હતી. 
 
દિવાળીબેનનો તીણો અવાજ અને ઘેરો લહેકો તળપદી ગીતોને મધુર બનાવે તેવો હતો. આથી તેઓ નવરાત્રીનાં તહેવારમાં વણઝારી ચોકની ગરબીમાં ગરબા ગવડાવતાં. બાળપણથી લોકગીતો, ભજનો ગાવાનો શોખ હતો. તેમજ તેમનો કંઠ મધુર હતો. આથી વણઝારી ચોકની ગરબી લોકોમાં ખુબ પ્રિય બની ગઇ હતી. 
 
આ સમય દરમિયાન આકાશવાણીના અધિકારીઓ અને સ્વ. હેમુ ગઢવી નવરાત્રિનું રેકોર્ડિંગ કરવા માટે જૂનાગઢ આવ્યા હતા. ત્યારે તેમણે સૌથી પ્રથમવાર લોકોએ દિવાળીબેનને સાંભળ્યા હતા. 
 
1964માં ગુજરાતી લોકગાયક હેમુ ગઢવીએ તેમની પ્રતિભાને પારખી આકાશવાણી રાજકોટ ખાતે તેમનું પહેલું રેકોર્ડિંગ ગોઠવ્યું હતું. એ માટે એમને પાંચ રૂપિયાનું મહેનતાણું આપવામાં આવ્યું હતું. સામાજિક કાર્યકર રતુભાઈ અદાણી તેમને દિલ્હી લઈ ગયા હતા, જ્યાં તેમણે લોકસંગીત મહોત્સવમાં પ્રથમ ઇનામ જીત્યું હતું. 
 
એ ઘડીથી પછી તેમણે ક્યારેય પાછું વળીને જોયું નહીં. આકાશવાણીમાં હેમુભાઈ ગઢવી સાથે, તો જાહેર કાર્યક્રમોમાં પ્રાણલાલ વ્યાસ, લાખાભાઈ ગઢવી, પ્રવીણદાન ગઢવી, ભીખુદાન ગઢવી, પ્રફુલ દવે સાથે અનેક લોકગીતો ગાઈને તેઓ સ્ટેજ કાર્યક્રમોના અનિવાર્ય કલાકાર બની ગયાં. એ સમયે દિવાળીબહેન એક જ એવાં કલાકાર હતાં જે લોકગાયિકા તરીકે ગીતને ન્યાય આપતાં હતાં. 
 
સંગીતકાર કલ્યાણજીએ મુંબઈમાં જીવંત સંગીત કાર્યક્રમ દરમિયાન તેમને સાંભળ્યા અને તેમને ગુજરાતી ફિલ્મોમાં પાર્શ્વગાયિકા તરીકે ગાવાનું આમંત્રણ આપ્યું હતું. જેસલ તોરલ (1971) તેમની પ્રથમ ફિલ્મ હતી અને આ ફિલ્મનું ગીત "પાપ તારૂં પ્રકાશ જાડેજા…" ખૂબ લોકપ્રિય બન્યું હતું. તેમણે લોકગીતોના કાર્યક્રમો માટે ભારત અને વિદેશની મુસાફરી કરી હતી. પ્રાણલાલ વ્યાસ સાથે એમણે ઘણા સ્ટેજ કાર્યક્રમો કરેલા છે.
 
તેમણે મોટી સંખ્યામાં લોકગીતો, ગરબા, ભજન અને ગુજરાતી ફિલ્મના ગીતો ગાયા હતા અને તેની ઓડિયો કેસેટ પણ બહાર પાડી હતી. 2001માં સંગીત આલ્બમ મનના મંજીરા દ્વારા તેમને લોકપ્રિયતા મળી હતી. "મારે ટોડલે બેઠો મોર", "સોના વાટકડી રે કેસર ઘોળ્યા વાલમિયા", "વાગે છે રે વાગે છે, વૃંદાવન મોરલી વાગે છે", "રામના બાણ વાગ્યા; હરિના બાણ વાગ્યા રે", "હાલોને કાઠિયાવડી રે", "કોકિલકંઠી", "હું તો કાગળિયાં લખી લખી થાકી", "વરસે વરસે અષાઢી કેરે મેઘ" અને ગુજરાતી ફિલ્મ, હાલો ગામડે જઈયેનું "ચેલૈયા કુંવર ખમ્મા ખમ્મા રે" આલ્બમના અન્ય કેટલાક નોંધપાત્ર ગીતો હતા.
 
તેમણે હેમુ ગઢવી, લાખાભાઈ ગઢવી, ઇસ્માઇલ વાલેરા, વેલજીભાઈ ગજ્જર, કરસન સાગઠિયા, પ્રફુલ્લ દવે, ભીખુદાન ગઢવી, ઉષા મંગેશકર, દમયંતિ બરડાઈ, મુરલી મેઘાણી અને આનંદકુમાર જેવા અનેક સંગીતકારો અને ગાયકો સાથે કામ કર્યું હતું.
 
લંડનની ગુજરાતી સોસાયટી એ તેમની મુલાકાત દરમિયાન તેમનું સન્માન કર્યું હતું. ગુજરાતી ગીત-લોકગીતમાં તેમના આ અમૂલ્ય પ્રદાનને ધ્યાનમાં રાખીને 24 માર્ચ, 1990ના રોજ ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રી સન્માનથી નવાજવામાં આવ્યાં. એ રીતે આપોઆપ તેમનું નામ ગુજરાતમાં પદ્મ સન્માન મેળવનાર પહેલા મહિલા ગાયિકા તરીકે પણ ઇતિહાસમાં કાયમ માટે નોંધાઇ ગયું.