શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 8 નવેમ્બર 2019 (11:25 IST)

હવે કાચુ લાઈસન્સ આરટીઓમાં નહીં પણ ITIમાંથી મળશે

વાહનના કાચા લાઇસન્સ માટે અત્યાર સુધી આરટીઓમાં કમ્પ્યૂટર પરીક્ષા લેવાતી હતી. પરંતુ રાજ્ય સરકારે આરટીઓમાં કામગીરીનું ભારણ ઘટાડવા હવે કાચા લાઈસન્સની કામગીરી આઈટીઆઈને સોંપી છે. હવે સુભાષબ્રિજ, વસ્ત્રાલ અને બાવળા આરટીઓ માટે જાહેર કરેલી આઇટીઆઇમાં કાચા લાઇસન્સની કમ્પ્યૂટર પરીક્ષા આપી શકાશે. ઓનલાઇન એપોઇમેન્ટ લેતી વખતે અરજદારે હવે તેના વિસ્તારની આઇટીઆઇ પસંદ કરવાની રહેશે.ટ્રાફિકના નવા દંડના અમલ બાદ કાચા અને પાકા લાઇસન્સ માટે લોકો રાહ જોઇને બેસી રહ્યા હતાં. દોડાદોડ કરી વધુ નાણાં ખર્ચી એજન્ટોની મદદથી લાઇસન્સ વહેલું મેળવવા પ્રયાસ કર્યો હતો. સરકારે આરટીઓ કચેરીમાં કામનું ભારણ ઘટાડી કાયમી ઉકેલ લાવી રાજ્યની આઇટીઆઇમાં કાચા લાઇસન્સ માટેની કમ્પ્યૂટર પરીક્ષાની વ્યવસ્થા કરી છે. જેનો અમલ શુક્રવારથી શરૂ થઇ જશે. જોકે સુભાષબ્રિજ આરટીઓમાં જાન્યુઆરી સુધી અને વસ્ત્રાલ તેમજ બા‌વળા એઆરટીઓમાં નવેમ્બરના અંત સુધીમાં એપોઇમેન્ટ મેળવનાર અરજદારો આરટીઓમાં પરીક્ષા આપી શકશે. આ પછી ફરજિયાતપણે નજીકની આઇટીઆઇ જ પસંદ કરવાની રહેશે. અરજદારોએ ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લેતી વખતે પોતાના વિસ્તારની આઇટીઆઇ પસંદ કરવાની રહેશે. એપોઇન્ટમેન્ટ અને પૈસા ભર્યાની સ્લિપ ફરજિયાતપણે લઇ જવાની રહેશે. હાલ સુભાષબ્રિજ આરટીઓમાં 500, વસ્ત્રાલમાં 450 અને બાવળામાં 150 કાચા લાઇસન્સની પરીક્ષા લેવાય છે. જેની સામે શહેરની આઇટીઆઇમાં રોજના 20 મુજબ કુલ 100 સ્લોટ અને તાલુકાની આઇટીઆઇમાં રોજના 10 મુજબ કુલ 70 જેટલા સ્લોટ ફાળવાયા છે. આ સ્લોટમાં સમયાંતરે વધારો કરાશે.