ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 7 નવેમ્બર 2019 (12:23 IST)

સોના-ઝવેરાતમાં મંદી: અમદાવાદ-રાજકોટ સહિતના સેન્ટરોમાંથી હજારો કારીગરો બેકાર

સોનાના દાગીના બનાવવાના કારીગર તરીકે ચમકતા હજારો કારીગરો બેકાર બન્યા છે. બે-બે દાયકાથી આ વ્યવસાયમાં રહેલા હજારો કારીગરોએ વતન બનાવેલા રાજકોટ-અમદાવાદને ‘બાય-બાય’ કરી દીધુ છે.
રાજકોટની સોનીબજાર તથા અન્ય વેપારી વિસ્તારોમાં નાની-મોટી ઓફિસ-ઓરડીઓમાં તથા અમદાવાદના રતનપોળ-માણેકચોકમાં દાગીનાઓ બનાવવાનું કામ કરતા હજારો કારીગરો માથે આફત છે. છેલ્લા છ મહિનામાં અમદાવાદમાંથી 30000 તથા રાજકોટમાંથી 60000 ખેડુતોએ ઉંચાળાભરી લીધા છે. કારીગરોનો એવો દાવો છે કે અત્યાર સુધીમાં કયારેય રોજગારીનું આવુ સંકટ જોયુ નથી. દાગીના બનાવવાનું કામ છોડીને આજીવિકા માટે અન્ય ચીલાચાલુ કામ કરવાની ફરજ પડી રહી છે.
રાજસ્થાનના મદન સૈનીએ એમ કહ્યું કે દાગીના બનાવવાનું છોડીને પોતે વાણંદની દુકાનમાં નોકરી સ્વીકારી છે. નાછુટકે આ કામ કરવું પડી રહ્યું છે.
સોના-ઝવેરાતનો વ્યવસાય અસંગઠીત છે અને મોટાભાગના કારીગરો વેપારીઓ- ઝવેરીઓ દ્વારા અપાતા કામના આધારે જીવનનિર્વાહ ચલાવે છે. છેલ્લા એક વર્ષમાં ઝવેરાત ઉદ્યોગની મંદીનો સૌથી મોટો વજ્રઘાત કારીગરો પર થયો છે. ઓછી આવક-કમાણીમાં ટકી રહેવું પડયું છે અથવા ઉચાળા ભરવા પડયા છે.
ઝવેરીઓ પણ એ હકીકત સ્વીકારી રહ્યા છે કે સોના-ઝવેરાતના ધંધામાં મોટી મંદી છે. ડીમાંડ તળીયે હોવાથી કારીગરોને દાગીના બનાવવા માટે અપાતા કામમાં મોટો કાપ છે. કારીગરો પાસે સાવ મામુલી કામ રહેતુ હોવાથી નાછુટકે કમાણી માટે અન્યત્ર નજર દોડાવી રહ્યા છે.
આવક-કમાણીમાં કાપને કારણે કારીગરોએ ધંધા છોડીને વતનની વાટ પકડવી રહી છે. ભૂતકાળમાં આટલી ખરાબ હાલત કયારેય થઈ ન હતી.
ઝવેરીઓના કહેવા પ્રમાણે કારીગરો ધંધા સંકેલી રહ્યા હોવાની રોજેરોજ નવી-નવી માહિતી મળતી રહે છે. દિવાળીના એક મહિનામાં કામના અભાવે 5000 કારીગરોએ ઉચાળા ભરી લીધા છે. લોકોની ડીમાંડ તળીયે છે. આર્થિક મંદી- સ્લોડાઉનના વર્તમાન દોરમાં લોકો સોનાની ખરીદીને પ્રાધાન્ય આપતા નથી. પ્રાયોરીટી લીસ્ટમાં સોનુ તળીયે આવે છે. છેલ્લા દિવસોમાં ગેરકાયદે સોનુ બહાર લાવવાની યોજના આવી રહ્યાની વાત પ્રસરી હતી તેનતી વધારાની અસર થઈ હતી.
સોના-ઝવેરાત માર્કેટની પ્રવર્તમાન હાલતમાં કોઈ સુધારો નહીં થાય તો બેકારીની પરિસ્થિતિ વધુ વણસવાની આશંકા છે. રાજકોટથી 60000 અને અમદાવાદમાંથી 30000 કારીગરો બેકાર બનીને વતનમાં પહોંચી જ ગયા છે. મંદીનો સૌથી મોટો માર કારીગરોને પડયો છે. નોટબંધી-જીએસટી તથા આયાત જકાત વધારાના આઘાત ઉપરાંત સોનાના ઉંચા ભાવોએ ડીમાંડને મોટી અસર કરી છે.