ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 7 નવેમ્બર 2019 (12:05 IST)

ખેલ મહાકુંભ માટે બનેલી વેબસાઇટ બંધ, રજિસ્ટ્રેશન કરાવવા છતા ખેલાડીઓને હેરાનગતી

ખેલ મહાકુંભ મામલે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની બેદરકારી જોવા મળી રહી છે, જિલ્લા - રાજ્યકક્ષાના વિજેતા ખેલાડીઓને સર્ટિફિકેટ અને મેડલ આજ સુધી મળ્યાં નથી. લાખોનો ખર્ચ કરી ખેલ મહાકુંભ માટે બનાવેલી વેબસાઇટ એક માસથી કામ કરતી નથી. જેથી રાજ્ય કક્ષાની સ્પર્ધાના વેન્યુ-ટાઇમિંગની ખેલાડીઓને માહિતી મળતી નથી. રજિસ્ટ્રેશન કરાવવા છતાં ખેલાડીઓ રમવાથી વંચિત રહે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ખેલ મહાકુંભની બધી જ માહિતી વેબસાઈટથી જ ખેલાડીઓ મેળવી શકતા હતા પણ ચાલુ આયોજન દરમિયાન જ વેબસાઇટ કામ નહીં કરતી હોવાને કારણે આયોજન ઊપર સવાલ ઊભો થયો છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના વિભાગીય અગ્ર સચિવ સી.વી. સોમે રાજ્યભરની સ્પોર્ટ્સ સ્કૂલ (ડીએલએસએસ)નાં ટ્રેનરો તેમજ કોચ મળી કુલ 150થી વધુ લોકોને નોટિસ આપી છૂટા કરી દીધા છે. જે બાબતે ટ્રેનરો અને કોચે મુખ્યમંત્રીને અધિકારી સામે પગલાં લઈ બદલી કરવાની માંગ કરી છે.રાજ્યભરની વિવિધ ડીએલએસએસ સ્કૂલોમાં 1000થી વધારે ખેલાડીઓ ટ્રેનિંગ લે છે. ડીએલએસએસમાં વેઇટ લિફ્ટિંગ, કુસ્તી, ફેન્સિંગ, ખો-ખો, ટેબલ ટેનિસ, વોલીબોલ, બાસકેટબોલ, જિમ્નાસ્ટિક્સ, શૂટિંગ, એથ્લેટિક્સ, આર્ચરી અને ટેક્વોન્ડો જેવી રમતોની ટ્રેનિંગ અપાઇ છે. જેનું ખર્ચ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ભોગવે છે.