ગુરુવાર, 2 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 28 ફેબ્રુઆરી 2017 (11:17 IST)

વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં બે જૂથો વચ્ચે છોકરીની છેડતીને લઈને અથડામણ

જે.એન.યુ.ના વિરોધમાં આજે એ.બી.વી.પી. દ્વારા એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં આયોજીત કાર્યક્રમમાં એ.બી.વી.પી. અને એન.એસ.યુ.આઇ.ના કાર્યકરો સામસામે આવી જતાં છૂટ્ટા હાથની મારામારી થતાં કેમ્પસ સમરાંગણમાં ફેરવાઇ ગયું હતું. બીજી બાજુ એન.એસ.યુ.આઇ.ની યુવતીઓ એ.બી.વી.પી.ના કાર્યકરો દ્વારા છેડતી કરી હોવાના આક્ષેપ સાથે પોલીસ મથકમાં પહોંચી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે બે દિવસ પૂર્વે દિલ્હીની રામદાસ યુનિવર્સિટીમાં જે.એન.યુ. દ્વારા રાષ્ટ્ર વિરોધી સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ મામલે આજે એ.બી.વી.પી. દ્વારા યુનિવર્સિટીઓમાં વિરોધ પ્રદર્શન કરવા માટે રાષ્ટ્રવ્યાપી એલાન આપ્યું હતું. જેના ભાગરૂપે વડોદરામાં એ.બી.વી.પી.દ્વારા આજે એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે વિરોધ પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એ.બી.વી.પી.ના કાર્યકરો જે.એન.યુ.ના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યા હતા. તે સમયે એન.એસ.યુ.આઇ.ની કાર્યકર યુવતીઓ પહોંચી ગઇ હતી. તેઓએ દિલ્હી રામદાસ યુનિવર્સિટીમાં એ.બી.વી.પી. દ્વારા યુવતીઓની છેડતી કરી હોવાના આક્ષેપો સાથે વિરોધ પ્રદર્શન કરતા ઘર્ષણના મંડાણ થયા હતા. એ.બી.વી.પી. અને એન.એસ.યુ.આઇ.ના કાર્યકરોએ સામસામે સુત્રોચ્ચાર કરતા જ મામલો બીચક્યો હતો. બંને જૂથના કાર્યકરો મારામારી ઉપર ઉતરી આવ્યા હતા. બંને જૂથો વચ્ચે મારામારી શરૂ થતાં જ કેમ્પસમાં દોડધામ મચી ગઇ હતી. એક તબક્કે કેમ્પસ સમરાંગણમાં ફેરવાઇ ગયું હતું. બીજી બાજુ આ બનાવની જાણ યુનિવર્સિટીના વિજીલન્સ વિભાગ અને સયાજીગંજ પોલીસને થતાં તુરત જ તેઓ દોડી આવ્યા હતા. અને મામલો થાળે પાડ્યો હતો.