1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 2 મે 2023 (13:51 IST)

Dwarka News - નકલી માર્કશીટનું કૌભાંડ ઝડપાયું, એક સાથે 66 માર્કશીટ સાથે પોલીસે આરોપીને ઝડપ્યો

Fake marksheet scam in dwarka
ગુજરાતમાં એકપછી એક ઘણા કૌભાંડોનો પર્દાફાશ થઈ રહ્યો છે. અત્યારે હવે નકલી માર્કશીટ અને સર્ટિફિકેટનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. SOGએ એક આરોપીને ઝડપી પાડ્યો છે અને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે. દ્વારકા SOGની ટીમે સલાયાના પરોડીયા રોડ પરથી એક શખ્સની ધોરણ 10ની 66 નકલી માર્કશીટ સાથે ધરપકડ કરી છે.

SOGની ટીમે પરોડીયા રોડ પરથી અજીમ ડુંગડા નામના એક શખ્સની ધરપકડ કરી છે. તેની પાસેથી ધોરણ-10ની 66 નકલી માર્કશીટ મળી આવી છે. SOGને આ શખ્સ પાસેથી ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગરની નકલી માર્કશીટ સહિત STCW સર્ટિફિકેટ પણ મળી આવ્યા છે. અજીમની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. તેણે જણાવ્યું કે, સલાયા તથા અન્ય વિસ્તારના રહીશો કે જેને વિદેશમાં સારા પગારથી વહાણ કે બોટમાં નોકરી મેળવવી હોય, તેઓને અનિવાર્ય એવા સ્ટાન્ડર્ડ ઓફ ટ્રેનિંગ સર્ટિફિકેટ એન્ડ વોચ કીપિંગનું સર્ટિફિકેટ મેળવવા ધોરણ 10ની માર્કશીટ અનિવાર્ય હતું. જેથી આ શખ્સ દ્વારા ધોરણ 10ની ખોટી માર્કશીટ બનાવી આપવામાં આવતી હતી. આ માટે તે રૂપિયા 35થી 40 હજાર લેતો હતો. હાલ એસઓજીની ટીમે આરોપી પાસેથી 66 નકલી માર્કશીટ, કોમ્પ્યુટરસ પ્રિન્ટર વગેરે કબેજે લઈ અજીમ ડુંગડાની અટકાયત કરી છે.

આ શખ્સની વધુ પૂછપરછમાં અનેક લોકોના નામ ખુલી શકે છે. હાલ સલાયા મરીન પોલીસ મથકમાં અજીમ ડુંગડા સામે IPC કલમ 465, 468, 471, 120બી મુજબ ગુનો નોંધાયો છે.