ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 18 ફેબ્રુઆરી 2023 (16:50 IST)

સુરતમાં BRTS બસ સ્ટોપની કેબિનમાં ભીષણ આગ લાગતાં અફડાતફડી મચી

surat BRTS
શિયાળાની વિદાયની સાથે જ આગના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી લિંક અંતર્ગત બીઆરટીએસ બસ સ્ટોપ ઉધના લક્ષ્મીનારાયણ નગર ખાતે કાર્યરત છે. જેમાં એકાએક બીઆરટીએસ બસ સ્ટેન્ડના કેબિનમાં આગ લાગતા અફરાતરફી ફેલાઈ હતી. જોત જો,તામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લઈને સમગ્ર બીઆરટીએસ સ્ટેશનને લપેટમાં લઈ લીધું હતું.જોકે ફાયરબ્રિગેડે સમય સર પહોંચીને લાક્ષાગૃહના સ્વરૂપમાં ફેલાયેલા બસ સ્ટેશનની આગ પર પાણીનો મારો ચલાવી કાબૂ મેળવ્યો હતો.



સુરતના ઉધના દરવાજા વિસ્તારમાં લક્ષ્મીનારાયણ બીઆરટીએસ બસ સ્ટોપ ઉપર એકાએક જ આગ લાગી હતી. આ એટલી વિકરાળ હતી કે, આસપાસના લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. ગણતરીના મિનિટોમાં જ બીઆરટીએસ પર ફરજ બજાવતા વોચમેન તેમજ અન્ય કર્મચારીઓ સમજી શકે તે પહેલા જ આખેઆખું બસ સ્ટેન્ડ આગે ઝપેટમાં લઈ લીધુ હતું.બીઆરટીએસ બસ સ્ટેશનમાં આગ એટલી વિકરાળ હતી કે ત્રણ કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા હતા. આ ખૂબ જ વ્યસ્ત વિસ્તાર હોવાને કારણે આગ લાગતા આસપાસથી વાહનો પસાર થતા બંધ થયા હતા. તેને કારણે ટ્રાફિકની સમસ્યા પણ ઊભી થઈ ગઈ હતી. આગ એટલી પ્રચંડ હતી કે, નજીકથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું હતું. ફાયર વિભાગ દ્વારા આગ ઉપર કાબુ મેળવાયો હતો.

ફાયર વિભાગના ઓફિસર હિતેશ પાટીલે જણાવ્યું કે ઉધના વિસ્તારના બીઆરટીએસ બસ સ્ટેશનમાં ભીષણ આગ લાગવાનો કોલ મળતા અમે ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા. માન દરવાજા અને ભેસ્તાન ફાયર સ્ટેશનની ગાડીઓ દ્વારા આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરાયો હતો. આગ લાગવાનું કારણ પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટ લાગી રહ્યું છે. બીઆરટીએસ બસ સ્ટોપ ઉપર માર્ગદર્શન માટે જે ટીવી લગાડવામાં આવતી હોય છે. તે સહિતની ફાઇબરની વસ્તુઓ હોવાને કારણે ઝડપથી આગ પ્રસરી ગઈ હતી. જોત જોતા આગે આખી કેબીનને આગની લપેટમાં લઈ લીધી હતી. આગ લાગવાને કારણે કોઈ સ્ટેશન ઉપર ઊભું ન હતું જે કંઈક લોકો હતા તે પણ દૂર જતા રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.