ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 3 માર્ચ 2018 (12:34 IST)

ગુજરાતમાં દીપડો, સિંહ જેવા વન્ય પ્રાણીઓ પર ગ્લોબલ વોર્મિંગથી ખતરો

પૃથ્વી ઉપરના અદ્‌ભુત એવા વન્ય જીવો ચિત્તા, ક્લાઉડેડ લેપર્ડ, દિપડો, સિંહ, વાઘ વગેરે આજે માનવ-વન્ય જીવ સંઘર્ષ અને ગ્લોબલ વોર્મિંગ જેવી પ્રવૃત્તિઓથી જીવન સંઘર્ષના આરે ઊભા છે. વિનાશના આરે ઊભેલા આ વન્ય જીવોના અસ્તિત્વને ટકાવી રાખવા અને પડકારોનો ઉકેલ લાવવા આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રિય તેમજ વ્યક્તિગત ધોરણે સઘન પ્રયાસો માટેનું વિચાર મંથન સાસણગીરમાં થનાર છે. શનિવારે કેન્દ્રીય વનમંત્રી ડો. હર્ષવર્ધન અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં સાસણગીરમાં વિશ્વ વન્યજીવ દિનની રાષ્ટ્રીય ઉજવણીનો પ્રારંભ થશે. પ્રતિવર્ષ ૩ માર્ચ એ વિશ્વ વન્યજીવ દિન તરીકે વિશ્વ આખું ઉજવે છે. ૨૦૧૮ના વર્ષના વિશ્વ વન્યજીવ દિનની થીમ ‘બીગ કેટ્સ: પ્રિડેટર્સ અન્ડર થ્રેટ’ એટલે ‘મોટા શિકારી વન્યજીવો ભયના ઓથાર હેઠળ’ રાખવામાં આવી છે.

રાજ્યના વનમંત્રી ગણપત વસાવા, વન રાજ્યમંત્રી રમણ પાટકર, વિવિધ રાજ્યોના વન અધિકારીઓ, વાઇલ્ડ લાઇફ વોર્ડન્સ, એનજીઓ અને માલધારીઓની ઉપસ્થિતિમાં આ ઉજવણી થનાર છે. ભારતમાં ભૌગોલિક વિસ્તારનો ૪ ટકા વિસ્તાર વન્ય રક્ષિત વિસ્તાર જાહેર થયેલો છે જ્યારે ગુજરાતમાં દેશની સરખામણીએ બમણો એટલે કે ૮.૮ ટકા વિસ્તાર વન્ય પ્રાણી રક્ષિત વિસ્તાર છે. જે ૧૭,૩૩૦ ચોરસ કિમી વિસ્તાર થવા જાય છે. રાજ્યમાં ૫૧૩ પ્રજાતિના પક્ષીઓ, ૧૧૪ પ્રજાતિના સરીસૃપો અને ઉભયજીવી જાતો, ૧૧૧ પ્રજાતિના સસ્તન પ્રાણીઓ અને ૭૦૦૦થી વધારે પ્રજાતિના કિટકો અને મૃદકાય જીવો જોવા મળે છે.