સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 10 ફેબ્રુઆરી 2022 (13:20 IST)

પોતાના ઉમેદવારોના સેટિંગની વ્યવસ્થા નહીં થતાં સરકારે બિન સચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષા રદ કરાવીઃ કોંગ્રેસનો આક્ષેપ

રાજ્યભરમાં 13મી ફેબ્રુઆરીએ યોજાનારી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગૌણ સેવા પંસદગી મંડળે હાલ પૂરતી પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. મહત્વનું છે કે, 3 વર્ષ બાદ પરીક્ષાનું આયોજન કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, વહીવટી કારણોસર પરીક્ષા બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે કોંગ્રેસના નેતાએ સરકાર પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે, પોતાના ઉમેદવારોના સેટિંગની વ્યવસ્થા નહીં થતા રાજ્યની ભાજપ સરકારે ભરતી પરીક્ષા રદ્દ કરાવી છે. 
 
અર્જુન મોઢવાડિયાએ સરકાર પર આક્ષેપ કર્યો
કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ ટ્વિટર પર ટ્વિટ કરીને સરકાર પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે, પોતાના ઉમેદવારોના સેટિંગ ની વ્યવસ્થા ના થતા રાજ્યની ભાજપ સરકારે ભરતી પરીક્ષા રદ્દ કરાવી છે. કોંગ્રેસ પાર્ટી ઉમેદવારોના ભવિષ્ય સાથે રમત નહીં રમવા દે, સરકારે ભરતી કરવી જ પડશે અને નિષ્પક્ષ રીતે કરવી પડશે. 
 
પરીક્ષા મોકૂફ રહેતા ઉમેદવારોમાં ભારે રોષ ફેલાયો
3901 જગ્યાઓ માટે 10 લાખથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના હતા. ગૌણ સેવા પસંદગી મંડળના ભૂતપૂર્વ ચેરમેન અસિત વોરાના રાજીનામા બાદ આ પરીક્ષા મોકૂફ રહેવાની સંભાવના હતી. ચેરમેનના રાજીનામા બાદ પરીક્ષા મુદ્દે કોઇ જવાબદારી લેવા તૈયાર નહીં હોવાથી પરીક્ષા ફરી એક વખત મોકૂફ રખાઈ છે. આ અગાઉ બે વખત આજ પરીક્ષા મોકૂફ રખાઈ હતી. પહેલા ધો.12ને પરીક્ષામાં નહીં બેસવા જેવા મુદ્દે પરીક્ષા મોકૂફ થઇ હતી. બીજીવાર પેપર ફુટવાને પગલે અને ત્રીજી વખત ચેરમેનના રાજીનામાને કારણે પરીક્ષા મોકૂફ રહેતા ઉમેદવારોમાં ભારે રોષ ફેલાયો છે.
 
પેપર લીક થતા પરીક્ષા રદ કરવામાં આવી હતી
હેડ ક્લાર્કની પરીક્ષા માટે ઉમેદવારી કરનાર 2.43 લાખ પૈકી 88 હજાર ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી, પરંતુ પરીક્ષા યોજાયા બાદ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પુરાવા સાથે પેપર લીક થયું હોવાનું જાહેર કરતાં, પહેલાં તો ગૌણ સેવા પસંદગી મંડળે ઇન્કાર કર્યો હતો અને સરકારે પણ આક્ષેપો ફગાવ્યા હતા. પરંતુ પુરાવા ચકાસ્યા બાદ પેપર લીક થયું હોવાનું જણાતા ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી હતી. આ સાથે ગુનો દાખલ કરીને સાબરકાંઠા પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં અમદાવાદના પ્રિન્ટિંગ પ્રેસના કર્મચારીએ પેપર લીક કર્યું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી.
2018માં ભરતી જાહેર કરવામાં આવી હતી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારના વિવિધ ખાતાની કચેરીઓ તેમજ મહેસૂલ વિભાગ હેઠળની કલેક્ટર કચેરીઓ માટે કારકુન વર્ગ-3 અને સચિવાલય વિભાગ માટે ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-3 માટે 2018માં જાહેરાત બહાર પાડવામાં આવી હતી. 2018ની ભરતી રદ થયા બાદ કોરોનાના કારણે તારીખ હવે જાહેર કરાઇ છે.