ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 11 સપ્ટેમ્બર 2017 (14:58 IST)

નવરાત્રીને પણ નૉટબંધી અને જીએસટીનું ગ્રહણ નડ્યું: વેચાણમાં ૫૦ ટકા ઘટાડો

નવરાત્રિ મહોત્સવમાં ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે નવરાત્રીમાં ગરબે ઘૂમવા માટે જ યુવા હૈયાઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. ખૈલેયાઓએ પણ નવરાત્રીની પૂરજોશથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચણિયાચોળી અને અન્ય પરંપરાગત વસ્ત્રોના બજારમાં તેજી જોવા મળી રહી છે. ખાસ કરીને ખેલૈયાઓ દર વર્ષે પરંપરાગત પોષાકમાં નવી ફેશન અને પેટર્નને લઇને ઘણા ઉત્સુક હોય છે. જેમાં આ વખતે યુવતીઓમાં કલમકારી પ્રિન્ટના ચણિયા તેમ જ યુવાનોમાં બાજીરાવ કેડીયા જેવી વૈવિધ્યસભર પોષાકો માર્કેટમાં આકર્ષણ જમાવે છે.

નવરાત્રીના પોશાક વેચતા વેપારીઓને નૉટબંધી અને જીએસટીની અસર જોવા મળે છે. આ વેપારીઓની આવકમાં ૫૦ ટકાનો ઘટાડો થયો છે. નવરાત્રીમાં ગરબામાં પહેરવાની જવેલરીમાં ઓકસોડાઇઝ અને સિલ્વર સેટના બદલે રંગબેરંબી પોમપોમવાળા (ફૂમતા વાળા) અને પરંપરાગત ભરત ભરેલા કાપડના સેટની વધુ માગ જોવા મળી રહી છે. આગવી સ્ટાઇલના નવરાત્રિ ડ્રેસ માટે યુવાનો ડિઝાઇનર્સ પાસે ધસારો કરી રહ્યા છે, તો બીજી બાજુ પરંપરાગત બજારોમાં મંદી જોવા મળી રહી છે. વેપારીઓના કહેવા પ્રમાણે ધંધામાં પચાસ ટકાનો ઘટાડો થયો છે. જેના માટે નોટબંધી અને જીએસટી જેવાં કારણો રજૂ કર્યાં હતાં. શહેરના પરંપરાગત બજારો જેવા કે માણેક ચોક, લો ગોર્ડનની બજારોએ તેમની આગવી વિશેષતાઓ ગુમાવી છે. હવે આ પ્રકારનાં બજારોમાં એકધારા રંગો અને એક જ ઢબના ચણિયાચોળી જોવા મળે છે. લોકોનો આ પ્રકારનાં પરંપરાગત બજારોમાં રસ ઘટ્યો છે અને ડિઝાઇનર અને તેઓ વિશિષ્ટ પ્રકારના ડ્રેસ તરફ વળ્યા છે. વર્ષથી વિવિધ પ્રકારના ચણિયાચોળી ડિઝાઇન કરતાં ડિઝાઈનરે જણાવ્યું હતું કે આ વખતે ઓમ્બ્રેમાં શેડેડ લેયર અને ત્રણ કળીવાળા ચણિયા તૈયાર કર્યા છે. જો કે આ વખતે વરસાદનો ડર ખેલૈયાઓને સતાવી રહ્યો છે. આજે પણ રાણીના હજીરા અને લો ગાર્ડનના બજારોમાં નવરાત્રિ અને તહેવારો પહેલાની ભીડ તો દેખાય છે, પરંતુ ખરીદી ઓછી થઈ રહી છે. તેના માટે કોઈ જીએસટીને જવાબદાર ઠેરવે છે તો કોઈ નોટબંધીને. આ વેપારીઓના જણાવ્યા અનુસાર આ વખતે આવકમાં ૫૦ થી ૬૦ ટકાનો ઘટાડો થયો છે.