મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 27 જુલાઈ 2017 (17:05 IST)

ગુજરાત કોંગ્રેસને સૌથી મોટો ઝટકો, વિધાનસભામાં કોંગ્રેસના દંડક બળવંતસિંહ રાજપૂતે રાજીનામું આપ્યું

ગુજરાતમાં કોંગ્રેસની મુશ્કેલીમાં ચૂંટણી પહેલા જબરદસ્ત ફટકો પડ્યો છે. આગામી સમયમાં યોજાનાર રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના દંડક બળવંતસિંહ રાજપૂતે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. બળવંતસિંહ શંકરસિંહ વાઘેલાના પુત્રના વેવાઈ પણ છે. તે ઉપરાંત બીજી એક ઘટનામાં કોંગ્રેસના ધારાસભ્ય તેજશ્રીબેન પટેલે પણ રાજીનામું આપી દીધું છે. આ રાજીનામા પરથી એવું લાગે છે કે હવે કોંગ્રેસના રાજ્યસભાના ઉમેદવાર અહેમદ પટેલની સામે કોઈ અપક્ષ ઉમેદવાર ઉભો રહી શકે છે. બંને ધારાસભ્યોએ વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાને પોતાનું રાજીનામું સુપ્રત કર્યું હતું. 

સામાન્‍ય રીતે રાજય સભાની ચૂંટણીમાં ગુજરાતના ઉમેદવારો બિનહરીફ ચૂંટાતા આવ્‍યા છે. રાજયસભાની ત્રણ બેઠકો માટે ભાજપના બે ઉમેદવારોની જીત સ્‍પષ્ટ જણાય છે. જો કોંગ્રેસમાંથી કોઇ બળવાખોર ઉમેદવારી કરે તો કોંગ્રેસના ઉમેદવાર અહેમદભાઇ પટેલને કમસેકમ ૪૬ મતો જીત માટે મેળવવા આવશ્‍યક છે. ગુજરાત વિધાનસભામાં કુલ ૧૮૨ મતદારો છે. તે પૈકી ભાજપનું સંખ્‍યાબળ ૧૨૧ જયારે કોંગ્રેસ પાસે ૫૭ ધારાસભ્‍યો ઉપરાંત એનસીપીના ૨ ધારાસભ્‍યો ટેકો આપે તેવી શક્‍યતા છે. જયારે બે અપક્ષ ધારાસભ્‍યો ભાજપને મત આપે એવી શક્‍યતા જણાય છે. જો ભાજપ પોતાના બે ઉમેદવારને ૪૬-૪૬ મત પ્રથમ પ્રેફરન્‍સના ફાળવે તો કુલ ૯૨ મતે બન્ને ઉમેદવારો ચૂંટણી જીતી જાય અને ભાજપ પાસે ૪૧ મતો વધારાના રહે. આ સંજોગામાં જો શંકરસિંહ વાદ્યેલાનું બળવાખોર જૂથ કોંગ્રેસી છાવણીમાં ગાબડુ પાડે તો કોંગ્રેસ માટે કફોડી સ્‍થિતિ થઇ શકે. ટૂંકમાં એહમદભાઇને સલામત રીતે જીતવા કમસેકમ ૪૬ મતો મેળવવા જરૂરી છે. ગુજરાતમાં ભાજપ લોકસભામાં ૨૬માંથી ૨૬ જયારે રાજયસભામાં ૧૧માંથી ૯ બેઠકો ધરાવે છે.એહમદભાઈ ઉપરાંત મધુસૂદન મિસ્ત્રી માત્ર બે જ સાંસદ રાજયસભામાં છે ત્‍યારે આ બેઠક જીતવા એહમદભાઈ એડી ચોટીનું પૂરે પૂરું જોર લગાવશે જયારે સામે પક્ષે અમિતભાઈથી માંડીને શંકરસિંહ વાઘેલા જૂનો રાજકીય સ્‍કોર સેટલ કરવા એહમદભાઈને હંફાવવાની પૂરી કોશિશ કરશે.