શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 31 ઑગસ્ટ 2018 (12:47 IST)

અમદાવાદમાં મેલેરિયા-ડેન્ગ્યુના 4500 જેટલા કેસ, એડિસ ઈજીપ્સી મચ્છરનો તમામ વિસ્તારમાં ઉપદ્રવ

અમદાવાદમાં એડિસ મચ્છરનો ત્રાસ પરાકાષ્ટાએ પહોંચતા ડેન્ગ્યુ-ચીકનગુનિયાના કેસોમાં મોટો વધારો નોંધાયો છે. મેલેરિયા અને ફાલ્સીપેરમના દર્દીઓ પણ મોટી સંખ્યામાં મ્યુનિ., સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દાખલ થઇ રહ્યાં છે. દરમ્યાનમાં ઓગસ્ટ માસ દરમ્યાન મચ્છરજન્ય રોગચાળામાં સાત દર્દીઓના સારવાર દરમ્યાન મોત નીપજ્યા છે. જોકે મ્યુનિ.નું હેલ્થ ખાતું આ આંકડાને અગમ્ય કારણોસર છૂપાવી રહ્યું છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર મ્યુનિ.ની વી.એસ. હોસ્પિટલમાં બે મેલેરિયાથી અને એક ડેન્ગ્યુથી મૃત્યુ થયું છે. શારદાબહેન હોસ્પિટલમાં ફાલ્સીપેરમના કારણે બે દર્દીના મૃત્યુ થયા છે, જેમાં એક દર્દી સરસપુર વિસ્તારના ૩૬ વર્ષના પુરૃષ છે. જ્યારે એલ.જી. હોસ્પિટલમાં ફાલ્સીપેરમથી વસ્ત્રાલના ૨૮ વર્ષના મહિલા દર્દીનું મૃત્યુ થયું છે. જ્યારે વસ્ત્રાલના એક ડેન્ગ્યુના દર્દીનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે. 
જોકે આમાં શંકાસ્પદ ફાલ્સીપેરમના દર્દીનો પણ સમાવેશ થતો હશે. છેલ્લા અઠવાડિયા દરમ્યાન સફાળા જાગેલા હેલ્થ ખાતાએ શાળાઓનો સર્વે હાથ ધરી મચ્છરનાં પોરાં દેખાયા ત્યાં મોટી રકમનો દંડ ફટકાર્યો તેનું કારણ પણ એડિસ મચ્છરનો વધેલો ઉપદ્રવ છે. આ મચ્છર બહુધા દિવસે વધુ એક્ટિવ હોય છે અને નિર્ભીક હોય છે. ઝાપટ મારવાથી મરી જાય છે પણ ઝડપથી ઊડતું નથી. તેના શરીર અને પાંખો પર ચટ્ટાપટ્ટા હોવાથી ટાઇગર મચ્છર પણ કહેવાય છે. હેલ્થ ખાતાની વિચિત્રતા એ છે કે, દર્દી મેલેરિયા-ડેન્ગ્યુના લક્ષણો સાથે દાખલ થાય, તેના લોહીની ચકાસણીના આધારે એ જ દિશામાં સારવાર થાય, રોગ આગળ વધે તો કિડની સહિત જુદા જુદા અંગો ફેઇલ થવા માંડે. આ સંજોગોમાં હેલ્થ ખાતું કોઝ ઓફ ડેથ કિડની ફેલ કે શ્વાસ ચડવામાં શોધતું હોય છે, જેથી મેલેરિયાના મરણના આંકડા ઓછાં દેખાય.
ઓગસ્ટ મહિનામાં દર્દીઓની સંખ્યા ગયા વર્ષ કરતાં ઓછી ઓછી છે, તેનું એક કારણ એ પણ છે કે વરસાદ ઓછો છે. આ દ્રષ્ટિએ વરસાદના પ્રમાણમાં આંકડા ઊંચા છે. ૨૫મી ઓગસ્ટ સુધીમાં મ્યુનિ. હેલ્થ ખાતું મેલેરિયાના ૧૪૪૯, ફાલ્સીપેરમના ૨૪૩, ડેન્ગ્યુના ૧૧૫ અને ચિકનગુનિયાના ૬ મળીને કુલ કેસ ૧૮૧૩ આંકડા કાપકુપ કરીને આપે છે. ખાનગી હોસ્પિટલો અને ફેમિલી ડોકટરોને ત્યાંથી વિગત મેળવવામાં આવે તો આ આંકડો ૪૫૦૦ની પણ ઉપર પહોંચે તેમ છે. મેલેરિયા નાબુદી પાછળ કરોડો રૃપિયાનો ખર્ચ કરાતો હોવાથી ખાતું આંકડા ઓછા બહાર આવે તેવા પ્રયાસો સજાગ રીતે કરે છે. ખરેખર સાચા આંકડા બહાર લવાય તો સ્થિતિની ગંભીરતાનો ખ્યાલ ઉચ્ચ અધિકારીઓ અને ખાનગી પ્રેકટિસ કરતાં ડોકટરોને પણ આવી શકે અને તેને કાબુમાં લેવા અસરકારક પગલાં પણ લઇ શકાય.