બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 5 માર્ચ 2020 (11:57 IST)

કંઈક આવો છે આપણો વિકાસઃ ગુજરાતનું દરેક બાળક 48 હજારનું દેવું લઇને જન્મે છે

ગુજરાત સરકારની આવકો અને કેન્દ્ર તરફથી મળવાપાત્ર ગ્રાન્ટ ઘટતાં હવે મોંઘવારી અને મંદીને કારણે રાજ્ય સરકારને બે છેડાં ભેગા કરવા 46 હજાર કરોડથી વધુ રકમનું દેવું કરવું પડશે. 2020-21ના નાણાંકીય વર્ષમાં આટલું દેવું કર્યા ઉપરાંત અગાઉના દેવાના મુદ્દલ અને વ્યાજની ચુકવણી પેટે સરકારને 41,756 કરોડની ચુકવણી કરવી પડશે.
સરકારે વિધાનસભામાં આગલા વર્ષના ખર્ચની પૂરક માંગણી મંજૂર કરાવવા વિધાનસભામાં મૂકેલા પ્રસ્તાવ સામે કાપ દરખાસ્ત રજૂ કરતા કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્ય અને વિપક્ષના ઉપનેતા શૈલેષ પરમારે જણાવ્યું કે ગુજરાત સરકાર ભલે નાણાંકીય આયોજનની વાત કરે પણ વાસ્તવિકતા એ છે કે ગુજરાતમાં જન્મ લેનારું દરેક બાળક માથે 48 હજારના દેવા સાથે આ દુનિયામાં આવે છે.
પાથેય બજેટ સેન્ટરે ગુજરાત સરકારના હાલમાં રજૂ કરેલાં અંદાજપત્રની વિગતોની છણાવટ કરતો અહેવાલ રજૂ કર્યો છે. આ અહેવાલ પ્રમાણે રાજ્યસરકારના અંદાજપત્રમાં ફાળવાયેલા બજેટની કુલ રકમની સાપેક્ષે વિકાસલક્ષી ખર્ચમાં ઉત્તરોત્તર ઘટાડો થઇ 2020-21ના વર્ષમાં કુલ રકમના 62.37 ટકા જેટલો થશે. રિપોર્ટ પ્રમાણે સરકારે 2020-21માં વિવિધ કરવેરા હેઠળ 1 લાખ પાંચ હજાર કરોડ કરતાં વધુની આવક અંદાજી છે.