મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 13 માર્ચ 2018 (12:03 IST)

ગુજરાતના ૪૨.૬ ટકા ખેડૂત કુટુંબો દેવાગ્રસ્ત

ગુજરાત રાજ્યના ગામડાઓમાં રહેતા અંદાજે ૫૮.૭૧ લાખ કુટુંબોમાંથી ખેતી સાથે સંકળાયેલા ૩૯.૩૦ લાખ કુટુંબો છે. તેમાંથી ૧૬.૭૪ લાખ ખેડૂત કુટુંબોએ ખેતી માટે લોન લેતા ગુજરાતના ૪૨.૬ ટકા ખેડૂત કુટુંબો દેવાગ્રસ્ત હોવા સાથે દેશમાં ૧૪માં નંબરે છે. આ તમામ દેવાગ્રસ્ત ખેડૂતોનું સરેરાશ માથાદીઠ દેવું રૂપિયા ૩૮૧૦૦ હતું. જયારે ગુજરાતમાં ખેડૂત કુટુંબોની સરેરાશ માસિક આવક રૂપિયા ૭૯૨૬ છે. જે રાષ્ટ્રીય સ્તરે ૧૨માં ક્રમાંકે છે. ગુજરાત રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં રહેતા ૩૯.૯૦ લાખ જેટલા ખેડૂત કુટુંબ પૈકી ૧૬,૭૪,૩૦૦ ખેડૂત કુટુંબોએ લોન લેતા ૪૨.૬ ટકા ખેડૂત કુટુંબો દેવાગ્રસ્ત છે.

ખેડૂતો બીજ, ખાતર, કીટનાશક દવાઓ, ટ્રેક્ટર ભાડું, સિંચાઈ, વીજ બીલ વગેરે ખરીદવા મૂડી ખર્ચ, ધિરાણની સાથે કુટુંબની મહેનત, ખેતમજુરોની મજુરી, જમીન ભાડું તેમજ ભાગીયા પધ્ધતિના કારણે ઘણો ખર્ચ થાય છે. આ ખર્ચની સામે ઉપજના વ્યાજબી ભાવ નહિ મળતા તે દેવાગ્રસ્ત થાય છે. ગુજરાતમાં આ દેવાગ્રસ્ત ખેડૂતોનું સરેરાશ દેવું વર્ષ ૨૦૧૩માં ૩૮૧૦૦ રૂપિયા છે. જેમાં ૦.૦૧ હેક્ટર કરતા ઓછી જમીન ધરાવતા ખેડૂત કુટુંબોને રૂપિયા ૬૯૦૦ દેવું છે. જ્યારે ૦.૪૦ હેકટર સુધી જમીન ધરાવનારનું દેવું રૂપિયા ૧૨૦૦૦,૧ હેકટર સુધીના જમીનધારકનું દેવું ૨૪,૭૦૦, ૧ થી ૨ હેકટર સુધીના જમીનધારકનું દેવું ૩૧ હજાર, ૨થી ૪ હેકટર જમીનધારક પર રૂપિયા ૮૨ હજાર તેમજ ૪ થી ૧૦ હેક્ટર જમીન ધરાવતા ખેડૂત કુટુંબનું દેવું ૧.૧૪ લાખ જેટલું છે. દેશમાં સૌથી વધારે દેવામાં ફસાયેલા ખેડૂતો આંધ્રપ્રદેશના ૯૨.૯ ટકા છે. આ પછી તેલેગાણાના ૮૯.૧ ટકા, તામિલનાડુના ૮૨.૫, કેરળના ૭૭.૭, કર્નાટકના ૭૭.૩, રાજસ્થાનના ૬૧.૮, ઓડીસાના ૫૭.૫, મહારાષ્ટ્રના ૫૭.૩, પંજાબના ૫૩.૨, બંગાળના ૫૧.૫, ઉત્તરાન્ચલના ૫૦.૮, મધ્યપ્રદેશના ૪૫.૭ તેમજ ઉત્તરપ્રદેશના ૪૩.૮ ટકા સાથે ગુજરાતના ખેડૂત કુટુંબો ૪૨.૬ ટકા સાથે ૧૪માં નંબરે છે. ગુજરાત રાજ્યના ખેડૂત કુટુંબોની સરેરાશ માસિક આવક રાષ્ટ્રીય સ્તરે ૧૨માં નંબરે રૂપિયા ૭૯૨૬ છે.