શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 12 સપ્ટેમ્બર 2021 (15:20 IST)

ગુજરાતને નરેન્દ્ર મોદીનો વિકલ્પ મળ્યો નથી કે મોદી પોતે નથી ઇચ્છતા કે કોઈનું કદ વધે ?

11 સપ્ટેમ્બર, 2021ના રોજ ફરીથી ગુજરાતના રાજકારણમાં મોટો ઊલટફેર થયો છે. પાંચ વર્ષ સુધી ગુજરાતના મુખ્ય મંત્રી રહેનાર વિજય રૂપાણીએ પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ સાથે જ એવી ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે કે શું હજુ સુધી ગુજરાતમાં ભાજપને નરેન્દ્ર મોદીનો વિકલ્પ નથી મળ્યો? 
 
'મોદીની વિકાસપુરુષની છબિ'
 
શું હજુ ગુજરાતને નથી મળ્યો નરેન્દ્ર મોદીનો વિકલ્પ?
 
વરિષ્ઠ રાજકીય વિશ્લેષક જતીન દેસાઈ પાછલા અમુક સમયમાં ગુજરાતના રાજકારણમાં અનુભવાઈ રહેલી નેતૃત્વની અસ્થિરતા માટે સમય, હાઇકમાન અને અગાઉના મુખ્ય મંત્રી સાથે સરખામણી જેવાં કારણોને જવાબદાર ગણાવે છે.
 
તેઓ કહે છે, "મોદી પોતાના શાસનકાળ દરમિયાન પોતાની એક વિકાસપુરુષની છબિ બનાવવામાં સફળ રહ્યા. અને તે માટે ક્યારેય કેન્દ્રીય નેતૃત્વ દ્વારા તેમનું કદ ઘટાડવાના પ્રયાસ નથી કરવામાં આવ્યા."
 
"તે સમયનું ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ પ્રમાણસર હાલના નેતૃત્વ કરતાં વધુ લોકતંત્રાત્મક હતું, પરંતુ મે, 2014માં મોદી વડા પ્રધાન બન્યા ત્યારબાદથી રાજ્યમાં મોદીની વિકાસપુરુષની છબિ સાથે સ્પર્ધા કરી શકે તેવા કોઈ નેતા ગુજરાતમાં સામે આવ્યા નહીં."
 
આ સિવાય જતીન દેસાઈ કહે છે કે, "મોદીના કાર્યકાળ દરમિયાન તેમના નેતૃત્વ અંગે ન માત્ર કેન્દ્રીય નેતૃત્વે, પરંતુ ગુજરાતમાં પણ ભાજપમાંથી કોઈ દિવસ મોટો વિદ્રોહ થયો હોય તેવું જોવા મળ્યું નથી."
 
"અને થયો પણ હોય તો નરેન્દ્ર મોદીએ તે વ્યક્તિ અને વિદ્રોહને કુનેહથી કાબૂમાં લીધાં છે, પરંતુ મોદી પછી પક્ષના આંતરિક વિદ્રોહને ડામવાની કુશળતા તે બાદ થયેલાં બંને મુખ્ય મંત્રીમાં દેખાઈ નથી."
 
તેમજ તેઓ આ અંગે આગળ વાત કરતાં કહે છે કે, "ભારત એક રાજ્યનો બનેલો સંઘ છે, જ્યાં રાજ્યો અને તેના વડાને પોતાના રાજ્ય માટે યોગ્ય નિર્ણય લેવાની પૂરતી સત્તા આપવામાં આવે છે પરંતુ હાલના સમયમાં ગુજરાતમાં રહેલા મુખ્ય મંત્રીઓ કેન્દ્રની નીતિઓને રાજ્યમાં પ્રતિબિંબિત કરવા સિવાય અલગ કશું કરી શક્યા નથી."
 
"જે બંધારણીય ભાવનાની વિરુદ્ધ હોવાની સાથોસાથ જે-તે મુખ્ય મંત્રી માટે પણ ફાયદાકારક સાબિત ન થયું."
 
'મોદી પોતે કોઈનું કદ વધે તેવું નથી ઇચ્છતા'
 
ગુજરાતના રાજકારણના જાણકાર અને તેનું બારીક વિશ્લેષણ કરનાર રાજકીય વિશ્લેષક ડૉ. હરિ દેસાઈ જણાવે છે કે, "આ સમગ્ર ઘટનાક્રમમાં જનતાના અસંતોષ, આંતરિક વિખવાદ કે મોદી સાથેની તુલના જવાબદાર નથી."
 
"વિજય રૂપાણીનું મુખ્ય મંત્રીપદેથી રાજીનામું એ એ વાતનો પુરાવો છે કે મોદી પોતે નથી ઇચ્છતા કે કોઈ તેમના પેંગડામાં પગ ઘાલે તેવું કદ વિકસિત કરે."
 
"તેઓ કોઈ રાજનેતાની એવી છબિ નથી બનવા દેવા માગતા જે કોઈ પણ રીતે પક્ષ માટે મુશ્કેલી સર્જે. તેથી સમયાંતરે મુખ્ય મંત્રીઓ બદલ્યા કરવાની રણનીતિ તેમણે પસંદ કરી છે."
 
"આવી જ રણનીતિ ઇંદિરા ગાંધી પણ પોતાના શાસનકાળમાં ચલાવતાં. જેથી કોઈ પણ વ્યક્તિનું રાજકીય કદ પોતાના માટે પડકાર ન બની જાય. આ હેતુથી તેઓ પણ વારંવાર સત્તાપરિવર્તન કરતાં. આવું જ ભાજપ અને મોદી પણ હાલ કરી રહ્યા છે."
 
પાછલાં કેટલાંક વર્ષોમાં સત્તાપરિવર્તન
 
3 ઑક્ટોબર, 2001ના રોજ ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલે રાજીનામું આપ્યું હતું. અનેક અટકળો વચ્ચે દિલ્હીથી નરેન્દ્ર મોદીને મોવડીમંડળે ગુજરાતના નવા મુખ્ય મંત્રી બનાવવાની જાહેરાત કરીને મોકલ્યા હતા. આ સાથે જ શરૂ થઈ નરેન્દ્ર મોદીની 'વિકાસપુરુષ' તરીકે પોતાને સ્થાપિત કરવાની પ્રક્રિયા. અનેક અડચણો છતાં તમામ પડકારો પાર કરી નરેન્દ્ર મોદી આખરે મે, 2014માં ગુજરાતના રાજકારણમાંથી દેશના રાજકારણના શિરમોર બનવામાં સફળ રહ્યા.
 
જેમાં 'ગુજરાત મૉડલ' અને નરેન્દ્ર મોદીની 'વિકાસપુરુષ' તરીકેની છબિના સફળ પ્રોજેક્શન સહિત કૉંગ્રેસ સરકાર સામેના સામાન્ય લોકોના અસંતોષે પણ ભાગ ભજવ્યો.
 
દેશમાં વર્ષો પછી લોકસભામાં કોઈ પક્ષને પૂર્ણ બહુમતી સાથે ચૂંટી કાઢવાનું બહુમાન ભારતના મતદાતાઓએ ભાજપને આપ્યું. આમ, કેન્દ્રમાં તો સ્થિર સરકાર મળી ગઈ, પરંતુ બીજી તરફ ગુજરાતમાં એ જ દરમિયાન સત્તાની ખેંચતાણનો જંગ વધુ ઉગ્ર થવા લાગ્યો.
 
મોદી વડા પ્રધાન બન્યા બાદ રાજ્યનાં પ્રથમ મહિલા મુખ્ય મંત્રી તરીકે આનંદીબહેન પટેલની નિમણૂક કરાઈ, પરંતુ 1 ઑગસ્ટ 2016માં તેમણે 75 વર્ષની મર્યાદાને કારણ ગણાવી પદ પરથી રાજીનામું આપી દીધું. જોકે, જાણકારોનું માનવું છે કે પાર્ટીની અંદરોઅંદરના વિદ્રોહ અને પાટીદાર આંદોલનના પરિણામસ્વરૂપે તેમને રાજીનામું આપવું પડ્યું હતું.
 
ત્યારબાદ મુખ્ય મંત્રીપદે ઘણા દિવસના સસ્પેન્સ બાદ વિજય રૂપાણીની નિમણૂક કરાઈ. તે સમયે મુખ્ય મંત્રીના નામની જાહેરાત માટે અમિત શાહ પોતે ગુજરાત આવ્યા હતા. પક્ષ નીતિન પટેલ પર સત્તાનો કળશ ઢોળાશે તેવી ઘણા જાણકારોની આગાહી ખોટી ઠરી હતી. પરંતુ રાજ્યના મુખ્ય મંત્રી નીમાયા બાદ પણ વિજય રૂપાણી આ પદ કેટલા સમય સુધી જાળવી શકશે તે અંગે વારંવાર આશંકાઓ વ્યક્ત કરાતી.
 
આવું જ કંઈક ડિસેમ્બર, 2017ની રાજ્યની વિધાનસભાની ચૂંટણી વખતે પણ બન્યું હતું. અંતે મોવડીમંડળે જાહેરાત કરી હતી કે ગુજરાતના આગામી મુખ્ય મંત્રી વિજય રૂપાણી જ રહેશે. આમ અસ્પષ્ટતાઓ વચ્ચે વિજય રૂપાણી ફરી એક વાર પોતાની ખુરશી જાળવી રાખી શક્યા.
 
પરંતુ વર્ષ 2017 બાદ પણ પક્ષમાં આંતરિક વિખવાદ, પાટીદાર ફૅક્ટર અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ સાથે ખટરાગ જેવાં અનેક કારણસર જલદી જ તેઓ મુખ્ય મંત્રીના પદ પરથી હઠી જશે તેવી શક્યતાઓ વ્યક્ત કરાતી. જે આખરે 11 સપ્ટેમ્બર 2021ના રોજ સાચી ઠરી.