શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 3 સપ્ટેમ્બર 2020 (12:02 IST)

ગુજરાતમાં છેલ્લા 30 વર્ષમાં 8 વાર 40 ઇંચથી વધુ વરસાદ, ચાલુ સિઝનમાં 120% વરસાદ

ગુજરાતમાં આ વર્ષે પુરજોશમાં મેઘમહેર જોવા મળી હતી. મેઘમહેરના લીધે નદી-નાળા, ડેમ, સરોવર છલોછલ ભરાય ગયા છે. ચાલુ સીઝનમાં 120% વરસાદ નોંધાયો છે. ત્યારે હવે સાયક્લોનિક સિસ્ટમ સક્રીય ન હોવાથી હવે ગુજરાતમાં વરસાદ ઓછો થવાની પુરી શકયતા છે, સાથે સાથે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટશે તેવી શક્યતા પણ હવામાન વિભાગે દર્શાવી છે. 
 
રાજ્યમાં છેલ્લાં 30 વર્ષમાં આઠમી વખત રાજ્યમાં સરેરાશ વરસાદ 40 ઇંચથી વધારે થયો છે. 47 વર્ષ બાદ સૌથી વધુ વરસાદ ઓગસ્ટ મહીનામાં વરસ્યો છે. જો કે હવે રાજસ્થાન પર જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હતી તે હવે પાકિસ્તાન બાજુ ફંટાઈ ગઇ છે. જેનાં કારણે આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની કોઇ આગાહી જ નથી.
રાજયમાં અત્યાર સુધી તા.1-9-2020 અંતિત 1004.76 મીમી વરસાદ પડ્યો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ 831 મીમી ની સરખામણીએ 120.91% છે.
 
ગુજરાતમાં સીઝનનો સરેરાશ 121 % વરસાદ નોંધાયો છે. જે અંતર્ગત રાજ્યના 111 ડેમ ઓવરફ્લો થયો છે. જ્યારે 22 ડેમ 90%થી વધુ ભરાઇ ગયા છે. સદીમાં ચોથી વખત ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે. ઓગસ્ટ મહિનામાં સામાન્યથી 26.6% વધુ વરસા પડ્યો છે. આ અગાઉ 1926, 1933 અને 1973માં આટલો વરસાદ પડ્યો હતો. સપ્ટેમ્બરમાં પણ સામાન્યથી વધુ વરસાદની શક્યતા દર્શાવાઈ રહી છે. હાલમાં ચાલુ સીઝનમાં 120 % વરસાદ નોધાયો છે.
 
અત્રે મહત્વનું છે કે હવામાન વિભાગના મતાનુસાર ગુજરાતમાં ચોમાસાને 30 દિવસ બાકી રહ્યાં છે તેમ છતાં 120 ટકાથી પણ વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. રાજ્યમાં અનેક જળાશયો, નદીઓ અને તળાવો છલોછલ થઈ ગયા છે. જેના લીધે જગતનો તાત પણ ખમૈયા કરોની પોકાર લગાવી રહ્યો છે. ભારે વરસાદને કારણે અનેક ખેતરો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. જેથી અનેક પાકો નિષ્ફળ ગયા છે.
 
સિંચાઇ વિભાગ દ્વારા આ બેઠકમાં જણાવાયું હતું કે, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર જળાશયમાં 2,71,608 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ થયો છે. જે કુલ સંગ્રહ શકિતના 81.30 ટકા છે. આજ રોજ સરદાર સરોવર ડેમમાં 11,26,624 કયુસેક પાણીની જાવક છે. મઘ્યપ્રદેશના ઇન્દિરાસાગર ડેમમાંથી છોડવામાં આવતુ પાણી ઘટવાની શકયતા હોઇ નર્મદાની સપાટીમાં ૫ણ ઘટાડો થવાની શકયતા છે. 
 
રાજયનાં 205 જળાશયોમાં કુલ જળસંગ્રહ 82.16 ટકા છે. હાલ રાજ્યમાં હાઇ એલર્ટ ઉ૫ર કુલ-156 જળાશય, એલર્ટ ઉ૫ર કુલ-11 જળાશય તેમજ વોર્નીગ ઉ૫ર કુલ-11 જળાશય છે. તે ઉપરાંત વરસાદને કારણે રાજ્યનાં કુલ 271 રસ્તાઓ અસરગ્રસ્ત થતા તે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. જેમાં પંચાયત હસ્તકનાં 223, સ્ટેટ હાઇવેનાં 22, નેશનલ હાઇવેનો એક અને અન્ય ૨૫ રસ્તાઓનો સમાવેશ થાય છે.