1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Gujarat Heavy Rain

તાપીમાં મેઘતાંડવ: ડોલવણમાં 16.73 ઈંચ વરસાદ, 6 નદીઓમાં ઘોડાપૂર વચ્ચે 1300 થી વધુ લોકોનું સ્થળાંતર

heavy rain alert gujarat
heavy rain alert gujarat
 
હવામાન વિભાગ દ્વારા તાપી જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાતાં સમગ્ર જિલ્લા તંત્ર, પોલીસ અને બચાવ ટુકડીઓ હાઈ એલર્ટ મોડ પર આવી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં અનરાધાર ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે પૂર્ણા, અંબિકા, ઓલણ, વાલ્મિકી, મીંઢોળા અને ઝાંખરી નદીઓમાં ઘોડાપૂર જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે.

 તાલુકાવાર વરસાદના આંકડા: 

 
છેલ્લા 24 કલાક દરમિયાન ડોલવણ તાલુકામાં સૌથી વધુ 16.73 ઈંચ આભ ફાટ્યું હતું. આ સિવાય વાલોડમાં 7.32 ઈંચ, વ્યારામાં 6.26 ઈંચ, સોનગઢમાં 5.35 ઈંચ, ઉકાઈમાં 4.45 ઈંચ, નિઝરમાં 4.41 ઈંચ અને ઉચ્છલમાં 3.50 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સમગ્ર જિલ્લામાં સૌથી ઓછો વરસાદ કુકરમુંડા તાલુકામાં 2.17 ઈંચ નોંધાયો છે.

 
1300 થી વધુ લોકોનું સુરક્ષિત સ્થળાંતર: અવિરત વરસાદ અને નદીઓના જળસ્તરમાં ભયજનક વધારાને પગલે જિલ્લા વહીવટી તંત્રે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી. સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને નીચાણવાળા વિસ્તારોમાંથી 1300થી વધુ લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂર પડ્યે વધુ સ્થળાંતર માટેની તૈયારીઓ પણ રાખવામાં આવી છે.
 

પોલીસ અને બચાવ ટીમોની સરાહનીય કામગીરી: 

 
આ આફતની ઘડીમાં તાપી પોલીસ અને બચાવ ટીમોની કામગીરી અત્યંત પ્રશંસનીય રહી છે. પૂર અને ભારે વરસાદ વચ્ચે પોલીસ કર્મચારીઓએ ડોલવણ વિસ્તારના એક પરિવાર તેમજ પશુપાલકોને રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સ્થાનિક નાગરિકો દ્વારા તંત્ર અને પોલીસની આ કામગીરીને બિરદાવવામાં આવી રહી છે.
 

આગામી દિવસો માટે તંત્રની સાવચેતીની અપીલ:

 
 હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં પણ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા યથાવત છે. આથી વહીવટી તંત્રે નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા, નદીકાંઠા કે નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા અને સરકારી સૂચનાઓનું કડક પાલન કરવા અપીલ કરી છે. કોઈપણ કટોકટીની પરિસ્થિતિમાં તાત્કાલિક સ્થાનિક તંત્રનો સંપર્ક કરવા જણાવાયું છે.
આગળનો લેખ
કાશ્મીરનાં કુલગામમાં આતંકી હુમલો, છત્તીસગઢના 2 શ્રમિકોના મોત, સીએમ સાયે વ્યક્ત કર્યું દુઃખ, કહ્યું - સરકાર પીડિત પરિવારની સાથે