1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Gujarat Heavy Rain Dwarka somnath Highway Closed

ગુજરાતમાં મેઘતાંડવ: જૂનાગઢ જળબંબાકાર, દ્વારકા-સોમનાથ હાઈવે બંધ અને તાપીનો કોઝ-વે ઓવરફ્લો

somnath porbandar highway
somnath porbandar highway
રાજ્યમાં ચોમાસું સંપૂર્ણપણે સક્રિય થતાં વહેલી સવારથી જ સાર્વત્રિક વરસાદ શરૂ થઈ ગયો છે, જેમાં માત્ર સવારે 6 થી 10 વાગ્યાના ટૂંકા ગાળામાં જ 48 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે આગામી સમય માટે અત્યંત ભારે વરસાદની ચેતવણી આપતાં રાજ્યના 6 જિલ્લાઓમાં રેડ એલર્ટ, 8 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને અન્ય 6 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. બાકીના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ચોમાસાની સ્થિતિ: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ

રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 13.27 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જેમાં છેલ્લા 24 કલાકમાં જ ભારે અસાધારણ સ્થિતિ જોવા મળી છે. આ સમયગાળા દરમિયાન 14 તાલુકાઓમાં 5થી 10 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો છે. પ્રદેશ વાઇઝ જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં સિઝનનો સૌથી વધુ 17.11 ટકા અને સૌરાષ્ટ્રમાં 15.38 ટકા વરસાદ નોંધાયો છે, જ્યારે જૂનાગઢના માંગરોળ તાલુકામાં તો માત્ર ત્રણ જ દિવસમાં સિઝનનો 103 ટકા વરસાદ વરસી જતાં ત્યાં ચોમાસાની સરેરાશ પૂર્ણ થઈ ગઈ છે.
 

સુરત અને દક્ષિણ ગુજરાતના માર્ગોને ભારે નુકસાન, ડાયવર્ઝન ધોવાયા

ભારે વરસાદના કારણે સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપક નુકસાનના અહેવાલો મળી રહ્યા છે. અરેઠના બૌધાન ગામે વાવ્યા ખાડી પર બ્રિજના કામકાજ માટે બનાવવામાં આવેલું કામચલાઉ ડાયવર્ઝન પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયું છે. આ મુખ્ય માર્ગ ધોવાઈ જવાના કારણે બારડોલી, અરેઠ અને માંડવી વચ્ચેનો સીધો સંપર્ક કપાઈ ગયો છે અને સ્થાનિક લોકોને હવે બારડોલી જવા માટે અંદાજે 25 કિલોમીટર જેટલો લાંબો ફેરો મારવાની ફરજ પડી રહી છે.
dwarka somnath highway
dwarka somnath highway

હાઈવે બંધ અને દરિયો તોફાની: હાઈવે પર વાહનોની લાંબી કતારો

સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેના કારણે દ્વારકા-સોમનાથ હાઇવે ભારે વરસાદમાં ધોવાઈ જતાં વાહનવ્યવહાર માટે બંધ કરવો પડ્યો છે. માંગરોળ નજીક નોળી નદી પરનો બ્રિજ અને હુસેનાબાદ પાસે રસ્તાનું ધોવાણ થતાં અનેક વાહનચાલકો અધવચ્ચે અટવાઈ પડ્યા છે. બીજી તરફ, અમરેલીના જાફરાબાદમાં દરિયામાં 15 ફૂટ ઊંચા મોજા ઉછળતા હોવાથી બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે અને માછીમારોને 7 જુલાઈ સુધી દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે.

તાપી નદીમાં ઘોડાપૂર અને કુદરતી સૌંદર્યનો અદભુત નજારો

ભારે વરસાદને પગલે તાપી નદીમાં નવા નીરની ભારે આવક થતાં તાપીનો કોઝ-વે ઓવરફ્લો થયો છે અને પાણીની સપાટી ભયજનક 6 મીટરની મર્યાદા વટાવીને 6.82 મીટર સુધી પહોંચી ગઈ છે. આ આફતની વચ્ચે જિલ્લામાં કુદરતી સૌંદર્ય પણ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. સોનગઢના ચીમેર ગામે આવેલો પ્રસિદ્ધ ચીમેર ધોધ પહાડો વચ્ચેથી રૌદ્ર અને સુંદર સ્વરૂપે સક્રિય થતાં જ આ મનમોહક દ્રશ્યો માણવા માટે સુરત, તાપી અને ડાંગ સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે.


About Writer
કલ્યાણી દેશમુખ
Gujarati portal head, Writer.... બધા વાંચો
આગળનો લેખ
પીએમ મોદીના હસ્તે શુભારંભ: જાણો સાણંદમાં શરૂ થયેલો CG સેમિકન્ડક્ટર પ્લાન્ટ શું છે અને તે ભારતને કેવી રીતે બનાવશે આત્મનિર્ભર