શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 13 ઑગસ્ટ 2024 (18:16 IST)

ગુજરાતના 2564 શ્રદ્ધાળુઓએ તીર્થ દર્શન યોજના થકી કૈલાશ માનસરોવરની યાત્રા કરી

રાજ્ય સરકાર કેટલીક એવી યોજનાઓ પણ ચલાવી રહી છે, જેના થકી હજારો શ્રદ્ધાળુઓ સરકારી સહાય મેળવીને રાહત દરે પોતાના મનગમતા તીર્થસ્થાનોના દર્શન કરી રહ્યા છે. રાજ્ય સરકારની શ્રદ્ધાળુઓ માટે ચલાવવામાં આવતી વિવિધ તીર્થદર્શન યોજનાઓનો છેલ્લા 7 વર્ષોમાં 1 લાખ 42 હજાર કરતા વધુ શ્રદ્ધાળુઓએ લાભ ઉઠાવ્યો છે. જે પૈકી શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ સૌથી વધુ 1 લાખ 38 હજાર 748 શ્રદ્ધાળુઓએ લાભ મેળવ્યો છે. 
 
કૈલાસ માનસરોવર યોજના અને સિંધુ દર્શન યોજના મહત્વની
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર.આર.રાવલે જણાવ્યું કે શ્રદ્ધાળુઓને તેમના શ્રદ્ધા સ્થાનકો પર પહોંચાડી તેમને તેમના ઇષ્ટ દેવના દર્શન કરવામાં મદદ કરનારી આ વિવિધ યોજનાઓનું સંચાલન ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ કરે છે, અને આ યોજનાઓમાં સૌથી વધુ લોકપ્રિય યોજના શ્રવણ તીર્થ દર્શન યોજના છે. આ યોજનામાં રાજ્ય સરકાર વડીલોને તીર્થ કરાવવા માટે શ્રવણની ભૂમિકા ભજવી રહી છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા શ્રવણ તીર્થ યોજના ઉપરાંત અન્ય યોજનાઓ પણ ચલાવવામાં આવી રહી છે, જેમાં કૈલાસ માનસરોવર યોજના અને સિંધુ દર્શન યોજના મહત્વની છે. 
 
ખાનગી બસની યાત્રાના ખર્ચની 75 ટકા રકમ સરકાર આપે છે
રાજ્યમાં શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ રાજ્ય સરકારે અત્યાર સુધીમાં 1,38,748 શ્રદ્ધાળુઓને 2850 બસો દ્વારા તીર્થદર્શન કરાવવામાં આવ્યા છે. રાજ્ય સરકારે આ યોજના હેઠળ વડીલોને અત્યાર સુધીમાં કુલ 10 કરોડ 25 લાખ 75 હજારની સહાય કરી છે. રાજ્યના 60 વર્ષ કે તેથી વધુ વય ધરાવતા વરિષ્ઠ નાગરિકો પોતાના મનપસંદ તીર્થસ્થળોની સમૂહ-યાત્રા કરાવવામાં આવે છે. યોજના હેઠળ વરિષ્ઠ યાત્રીઓને એસટી નિમગની સુપર નૉન-એસી બસ, મિની નૉન-એસી બસ, સ્લીપર કોચ કે ખાનગી બસની યાત્રાના ખર્ચની 75 ટકા રકમ સરકાર તરફથી આપવામાં આવે છે. આ ઉપરાંત દરેક યાત્રીને સહાય તરીકે એક દિવસના ભોજનના 50 તથા રહેવાના 50; એમ કુલ 100 અને મહત્તમ 300 આપવામાં આવે છે.
 
2564 શ્રદ્ધાળુઓએ કૈલાસ માનસરોવર યોજનાનો લાભ મેળવ્યો
ગુજરાતના 2564 શ્રદ્ધાળુઓએ કૈલાસ માનસરોવર યોજનાનો લાભ મેળવ્યો છે. આ યાત્રા માટે રાજ્ય સરકાર દ્વારા શ્રદ્ધાળુઓને 581.49 લાખની સહાય ચૂકવવામાં આવી છે. કૈલાસ માનસરોવરની યાત્રાએ જતા ગુજરાતી યાત્રિકોને રાજ્ય સરકાર દ્વારા 23,000ની પ્રોત્સાહક સહાય આપવામાં આવતી હતી.રાજ્ય સરકાર દ્વારા ગત વર્ષ આ પ્રોત્સાહક સહાયની રકમમાં વધારો કરીને તેને 50,000 કરી દેવામાં આવી છે.સિંધુ દર્શન યોજનાના હેઠળ 1754 લાભાર્થીઓએ તીર્થયાત્રાનો લાભ મેળવ્યો છે. જેમને રાજ્ય સરકાર દ્વારા 2 કરોડ 63 લાખ 10 હજારની સહાય પૂરી પાડવામાં આવી છે. આ યોજના હેઠળ વર્ષમાં 300 પ્રવાસીઓને સહાય મળે છે. લાભાર્થી દીઠ 15 હજારની સહાય આપવામાં આવે છે. જો પ્રવાસીઓની સંખ્યા વધે, તો ડ્રૉ સિસ્ટમથી 300 લાભાર્થીઓની પસંદગી કરવામાં આવે છે.