બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 9 નવેમ્બર 2021 (10:21 IST)

કોરોના સંક્રમણના કપરાકાળના સમયગાળા દરમ્યાનના LEADS ઇન્ડેક્ષમા ગુજરાત દેશમાં શ્રેષ્ઠ રાજ્ય

દેશમાં વિકાસના રોલ મોડેલ રહેલા ગુજરાતની ગૌરવગાથામાં વિક્રમ સંવત ર૦૭૮ના પ્રારંભે વધુ એક સિદ્ધિનું સિમાચિન્હ ઉમેરાયું છે. ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે પ્રસિદ્ધ કરેલા લોજિસ્ટીકસ ઇઝ અક્રોસ ડિફરન્ટ સ્ટેટસ ઇન્ડેક્ષ-LEADS-2021 માં ગુજરાતે માલ-સામાનની સરળતાએ હેરફેરની કાર્યદક્ષતામાં દેશભરમાં સતત ત્રીજીવાર પ્રથમ સ્થાન મેળવ્યું છે.
 
ગુજરાતે આ અગાઉ ર૦૧૮ અને ર૦૧૯ એમ બેય વર્ષોમાં LEADS ઇન્ડેક્ષમાં પ્રથમ ક્રમ મેળવવાની સિદ્ધિ મેળવેલી છે. દેશમાં ઇન્ટીગ્રેટેડ લોજીસ્ટીક ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવાના હેતુથી ભારત સરકાર દ્વારા દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લોજીસ્ટીકસ ક્ષેત્રે સંકળાયેલા સ્ટેક હોલ્ડર્સના અભિપ્રાયો, મંતવ્યો મેળવીને તથા ઓનલાઇન સર્વે હાથ ધરીને આ LEADS ઇન્ડેક્ષ તૈયાર કરવામાં આવે છે.
 
આ વર્ષે કોરોના વૈશ્વિક મહામારીના વ્યાપક સંક્રમણના સમયગાળા દરમ્યાનના આ ઇન્ડેક્ષમાં ગુજરાતે કોરોના મહામારીની વિપદા છતાં પણ પોતાનો પ્રથમ ક્રમ જાળવી રાખવાની ગૌરવસિદ્ધિ પ્રાપ્ત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની દિશાના આ વધુ એક સફળ કદમ માટે સંબંધિત વિભાગોને અભિનંદન પાઠવ્યા છે.
 
લિડસ-૨૦૨૧ ના ઇન્ડેક્ષના પેરામીટર્સમાં ર૧ ઇન્ડીકેટર્સનો સમાવેશ કરવામાં આવેલો છે તેમાં રાજ્યના ઇન્ફ્રાસ્ટ્રકચર એટલે કે રોડ – રેલ નેટવર્ક, પોર્ટસ એન્ડ એરપોર્ટસ, વેર હાઉસ અને કોલ્ડ સ્ટોરેજ તેમજ સર્વિસ પ્રોવાઇડર દ્વારા અપાતી સેવાઓમાં નિર્ધારિત સમયમર્યાદામાં ડીલીવરી, એક સ્થળેથી બીજા સ્થળે માલ-સામાન પહોચાડવાની સરળતા, માલ-સામાનની ટ્રેસેબિલીટી, સિકયુરિટી અને ઓપરેટીંગ એન્ડ રેગ્યુલેટરી એન્વાયરમેન્ટ તહેત કાયદો વ્યવસ્થા, લેબર લોઝ, મંજૂરીઓમાં પારદર્શીતા જેવા કી ઇન્ડીકેટર્સનો સમાવેશ થાય છે. ગુજરાતે આ બધા ઇન્ડીકેટર્સમાં સતત ત્રીજા વર્ષે પ્રથમ રેન્કીંગ મેળવ્યું છે. આ રેન્કીંગમાં ગુજરાત પછી હરિયાણા બીજા ક્રમે તેમજ પંજાબ ત્રીજા ક્રમે રહેલા રાજ્યો છે.
 
ગુજરાત દેશના જી.ડી.પી.માં ૮ ટકાના યોગદાન સાથે અગ્રીમ ઔદ્યોગિક રાજ્ય છે. એટલું જ નહિ, એફ.ડી.આઇ મેળવવામાં તથા આઇ.ઇ.એમ મેળવવામાં પણ દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે. ૧૬૦૦ કિ.મી લાંબો દરિયાકિનારો અને ૧ મેજર તથા ૪૮ નોન મેજર પોટર્સ સાથે દેશના ૪૦ ટકા એટલે કે ૫૧૪ મિલીયન મેટ્રિક ટન કાર્ગો એકલું ગુજરાત વહન કરે છે. 
 
માર્ગો-રસ્તાઓનું છેવાડાના વિસ્તારો સુધીનું વિશાળ નેટવર્ક, હાઇ-વે પર માલ-સામાનની સરળતાએ અવર-જવર માટે ચેકપોસ્ટ નાબૂદી ઉપરાંત DMIC, DFC, અમદાવાદ ધોલેરા એકસપ્રેસ વે, ૧૧ જેટલી જેટીનો વિકાસ અને ૭ જેટલા સૂચિત રેલ કનેક્ટિવીટી પ્રોજેકટ સાથે ગુજરાતે લોજીસ્ટીકસ ઇન્ફ્રાસ્ટ્રકચરની સર્વગ્રાહી શૃંખલા વેલ્યુચેઇન ઊભી કરી છે. રાજ્ય સરકારની પ્રો-એકટીવ પોલીસીઝ, વેલ ડ્રીવન ઇન્ફ્રાસ્ટ્રકચર અને સર્વિસીસ ડ્રીવન બાય અ રિસ્પોન્સીવ ગવર્નમેન્ટની નીતિને સુસંગત ઇન્ટીગ્રેટેડ લોજીસ્ટીકસ એન્ડ લોજીસ્ટીકસ પાર્કસ-ર૦ર૧ પોલીસી રાજ્યવ્યાપી લોજીસ્ટીકસ નેટવર્ક ઇકોસિસ્ટમને નવું બળ પુરૂં પાડે છે.
 
લોજીસ્ટીકસ સેવાઓની ગુણવત્તા વધારતી અને ટેકનોલોજીના ઉપયોગ પર વિશેષ ઝોક આપતી ડ્રાફટ નેશનલ લોજીસ્ટીક પોલિસીના પ્રાવધાનોને સુસંગત ગુજરાતની આ પોલિસી બનાવવામાં આવી છે. કોરોના મહામારીની સ્થિતીમાં ગ્લોબલ સપ્લાય ચેઇનમાં આવેલા બદલાવથી ગુજરાતમાં પોતાના વ્યવસાય કારોબાર કરવા આવી રહેલા ઉદ્યોગોને રાજ્યના આ રોબસ્ટ લોજીસ્ટીક ઇન્ફ્રાસ્ટ્રકચરનો લાભ મેળવવામાં લિડસ-LEADS ઇન્ડેક્ષમાં ગુજરાતની આ સતત ત્રીજા વર્ષની અગ્રેસરતા પ્રોત્સાહક અને આકર્ષણ રૂપ બનશે.