મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 21 મે 2018 (17:24 IST)

દલિત યુવાનને મારમારવાના ગુનામાં ચાર ઝડપાયા, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

વેરાવળમાં શિતળામાના મંદિર નજીક મારૂતિપાર્ક સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા મુકેશભાઇ સવજીભાઇ તેમના પત્ની જયાબેન અને કાકીજી સાસુ સવિતાબેન રવિવારે સવારે 5.30 વાગ્યાના અરસામાં ઘર નજીક આવેલા કારખાના આસપાસ કચરો વીણવા નીકળ્યા હતા અને રાદડિયા ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાના પાસે પહોંચ્યા હતા. ત્યારે કારખાનામાંથી પાંચેક શખ્સો ધસી આવ્યા હતા અને કચરો ઉપાડવાના મુદ્દે બોલાચાલી કરી મુકેશભાઇ સહિત ત્રણેયને ધોકા-પટ્ટા ફટકાર્યા હતા. પાંચેય શખ્સોએ જયાબેન અને સવિતાબેનને માર મારી ભગાડી દીધા બાદ મુકેશભાઇને કારખાનામાં લઇ જઇ બાંધીને ધોકા-પટ્ટાથી ઢોર માર માર્યો હતો.

બનાવમાં મુકેશભાઇનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આથી પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. પોલીસે આજે માર મારનાર ચાર શખ્સોની ધરપકડ કરતા અને પરિવારની માંગ સંતોષાતા મૃતદેહનો સ્વીકાર કર્યો હતો. મુકેશભાઇને માર મારનાર ચાર શખ્સો ચિરાગ વોરા, દિવ્યેશ વોરા, જયસુખ રાદડિયા અને તેજસ ઝાલાની ધરપકડ કરી છે. જિલ્લા કલેક્ટર દ્વારા સમાજના આગેવાનો તેમજ પરિવારની માંગ સંતોષાતા મૃતદેહનો સ્વીકાર કર્યો છે. અલગ અલગ પાંચ માંગણીઓ સ્વીકારવાની ખાતરી આપતા આજે વહેલી સવારે મૃતદેહ સ્વીકાર્યો હતો. માંગણીઓમાં 5 એકર જમીન આપવી, મૃતકના બાળકોને ફ્રિમાં શિક્ષણ, માસિક મેડિકલ ખર્ચ અને આરોપીની શાપર ખાતે જાહેરમાં સરભરા કરવવાનો સમાવેશ થાય છે.