Last Modified: ગુરુવાર, 23 ફેબ્રુઆરી 2017 (13:07 IST)
ભાજપના ધારાસભ્ય દ્વારા આયોજિત ડાયરામાં કિર્તિદાન ગઢવી પર નોટો ઉછળી
ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા આયોજીત કરાયેલા ડાયરા (ભજન સંધ્યા)ના કાર્યક્રમમાં ર્કિતિદાન ગઢવી પર ચલણી નોટો ઉછાળવામાં આવી હતી. તેને કારણે શિવજી કી સવારી પૂર્વેનો ગોરવા ખાતેનો આ શિવોસ્તવનો કાર્યક્રમ વિવાદમાં સપડાયો હતો. પ્રદેશ અને શહેર ભાજપના નેતાઓ તેમજ મ્યુનિ. કોર્પારેશનના પદાધિકારીઓની હાજરીમાં સ્ટેજ પર નોટો ઉછાળવાનો સિલસિલો ચાલુ જ રહ્યો હતો.
થોડાક દિવસો પૂર્વે જ કલાલી ખાતે જાગનાથ મહાદેવ મંદિરમાં બડા ગણેશની સ્થાપના પ્રસંગે રખાયેલા જમણવારમાં ટાર્ગેટ મુજબ ૧ લાખ ભાવિકો નહીં આવતા હજારો લોકો માટેનું બનાવેલું જમણવાર ફેંકી દેવું પડયું હતું અને યોગેશ પટેલ ટીકાનું કારણ બન્યાં, પરંતુ એ પછીય તેમની પનોતી ઉતરી નથી. આજે યોગેશ પટેલ દ્વારા આયોજીત ડાયરાના કાર્યક્રમની ગેરવ્યવસ્થાને લીધે સંસ્કારી નગરીને લજવી દેતી ઘટના બની હતી. ગોરવાના લક્ષ્મીપુરા રોડ પર દશામાતાના મંદિર સામેના મેદાને રાતે ૮ કલાકને બદલે રાતે ૧૦ કલાકે ર્કિતદાન ગઢવી અને માયાભાઈ આહિરના શ્વરે ડાયરાનો કાર્યક્રમ શરૃ થયો. ર્કિતદાને એવું કહ્યું કે, ભાઈ કોઈ સીટી ન મારતા. કારણ કે, સીટી મારવી વડોદરા જ નહીં ગુજરાતની સંસ્કૃતિ નથી. તેમ કહ્યું હતું. મોડી રાત સુધી ચાલેલા કાર્યક્રમમાં વારંવાર નોટો ઉછાળાઈ હતી, પરંતુ એ ધારાસભ્ય યોગેશ પટેલ અદબ પલાઠી મોંઢે આંગણી કરીને આ બધુ જોયા જ કરતાં હતાં. સાંસદ અને શહેર ભાજપ પ્રમુખ રંજનબેન ભટ્ટ, મેયર ભરત ડાંગર, પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, વુડાના ચેરમેન એન.વી. પટેલ, સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન ડો. જિગિષાબેન શેઠ સહિતના નેતાઓ અને કોર્પારેશનના હોદ્દેદારોની હાજરીમાં સ્ટેજ પર નોટો ઉછાળાઈ હતી. તેના કારણે સ્ટેજ પર નોટોની ચાદર પથરાઈ ગઈ હતી.
જોતજોતામાં તે નોટોની ચાદર ઢગલામાં ફેરવાઈ ગઈ હતી. ર્કિતિદાન ગઢવી પર નોટો ઉછાળાતા જ સ્ટેજની ડાબી અને જમણી બાજુએ ઊભેલા ભાજપના કેટલાક કોર્પારેટરો અને પૂર્વ કોર્પાેરેટરો એકાએક એક્શનમાં આવી ગયા હતા અને તેમણે પોતાના કિસ્સામાંથી મોબાઈલ કાઢીને તેનાથી વીડિયો શુટિંગ કર્યુ હતું. ર્કિતિદાન પર નોટો ઉછાળવા માટે સ્ટેજના દાદર પાસે જ નોટો ભરેલી થેલી મૂકાઈ હતી. તેમાંથી બંગલો કાઢી કાઢીને ર્કિતદાન પર સમયઅંતરે નોટો ઉછાળવામાં આવતી હતી. એટલુ જ નહીં, તે નોટો ભરેલી થેલી સાચવવા માટે બે માણસો પર ત્યાં ઊભા રખાયા હતા.