શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 22 જુલાઈ 2020 (18:51 IST)

શિક્ષકો કે કોઈપણ કર્મચારીનો ગ્રેડ પે વધાર્યો કે સુધાર્યો નથીઃ નિતિન પટેલ

રાજ્યમાં શિક્ષકોના 4200ના ગ્રેડ પે વિવાદ મામલે આજે નાણાંમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું કે, છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં શિક્ષકોના ગ્રેડ પેની અફવા ચાલે છે. શિક્ષકોને અગાઉ 4200નો ગ્રેડ પે મળતો જ હતો. ગ્રેડ પેમાં એક રૂપિયો પણ વધારવામાં આવ્યો નથી.ઘણાએ અફવા ચાલુ કરી કે શિક્ષકોનો ગ્રેડ પે વધી ગયો બીજાનો કેમ ન થયો પરંતુ આ સમગ્ર બાબત ખોટી છે. ઘણા લોકો તેનું ખોટું અર્થઘટન કરતા હતા. શિક્ષકોના મુદ્દે પ્રશ્ન ઉભો થયો ત્યારે શિક્ષણ વિભાગના પરિપત્રોનો અભ્યાસ કરવામાં આવ્યો અને પરિપત્ર રદ કરવામાં આવ્યો. અન્ય કર્મચારીઓને પણ ઉશ્કેરવામાં આવી રહ્યા છે. પોલીસની નોકરીમાં લાગે ત્યારથી બધાને શિસ્તમાં રહેવાનું હોય છે. તેમની સાથે સાથે આરોગ્ય કર્મીઓને પણ ઉશ્કેરવામાં આવી રહ્યા છે. કોઈ પણ કર્મચારીનો ગ્રેડ પે વધાર્યો નથી કે નથી સુધારો કરવામાં આવ્યો.હાલ પ્રાથમિક શિક્ષકને રૂ.32357, આચાર્યને રૂ.44,658, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકરીને રૂ.56,488, કોન્સ્ટેબલને રૂ.23400, હેડ કોન્સ્ટેબલને રૂ.28100 અને નર્સને રૂ.37376 પગાર આપવામાં આવે છે. સરકારમાં જે બાબતની ચર્ચા પણ ન હોય તેવી બાબતો કેટલાક તત્વો અને બની બેઠેલા નેતાઓ લોકોને ગેરમાર્ગે દોરે છે. કોઈ પણ વિભાગમાં ગ્રેડમાં સુધારો કર્યો નથી. પગારમાં ઘણી વસ્તુઓ ઉમેરાતી હોય છે જેમાં અન્ય એલાઉન્સ પણ એડ થતા હોય છે.અત્યારે કોરોનાનાં કારણે સરકારની આવક ઓછી થઈ ગઈ છે, ત્યારે આ કપરા સમયમાં પણ તમામનો પગાર કરવામાં આવી રહ્યો છે. સરકારના અનેક વિભાગો કોરોનાનાં સામે લડી રહ્યા છે. અન્ય રાજ્યોની સરખામણીએ કોરોના સામે લડવા માટે સારી રીતે કામ કરી રહ્યા છે.આપણા કર્મચારીઓ સક્રિય કામગીરી કરી રહ્યા છે,ત્યારે સોશિયલ મીડિયામાં ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. છેલ્લા અઠવાડિયામાં અમે કોરોના અને વરસાદ સામે કામ કરી રહ્યા હતા, ત્યારે કેટલાક તત્વોએ ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો.