1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : બુધવાર, 6 માર્ચ 2024 (22:57 IST)

ગુજરાત: શેરડીનો સારો ભાવ ન મળતા ખેડૂતે શું કીમિયો કરીને કમાણી શરૂ કરી?

ગુજરાતમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં કમોસમી વરસાદનું પ્રમાણ વધી રહ્યું છે, જેના કારણે ગુજરાતના ખેડૂતોને નુકસાન થઈ રહ્યું હોવાના અહેવાલો આવતા રહે છે.
 
ચોમાસાની બદલાતી પૅટર્નને કારણે ગુજરાતનો મુખ્ય પાક ગણાતા બાજરીના ખેડૂતોને પણ ગત વર્ષે ભારે નુકસાન વેઠવું પડ્યું હતું.
 
બદલાતાં હવામાન અને આબોહવા પરિવર્તનને કારણે પણ ખેડૂતો કયો પાક લેવો તે અંગે વિચારતા થયા છે.
 
આવી પરિસ્થિતિમાં અરવલ્લી જિલ્લાના ખેડૂત હરિભાઈએ એક નવો નુસખો અજમાવ્યો છે. તેમણે પોતાના ખેતરમાં દેશી શેરડીનો પાક લીધો હતો.
 
ત્યાર બાદ કઈ રીતે માત્ર બે વીઘા જમીનમાં શેરડીના પાકથી તેઓ હજારો રૂપિયાની કમાણી કરી રહ્યા છે તેના પાછળની કહાણી રસપ્રદ છે.
 
ખેડૂતે શું નુસખો અજમાવ્યો?
 
અરવલ્લીના ખેડૂત હરિભાઈ વર્ષોથી પરંપરાગત ખેતી કરે છે.
 
સાબરકાંઠા જિલ્લાના રામપુરા કંપા ખાતે થોડાં વર્ષો પહેલાં તેમણે શેરડીનું વાવેતર શરૂ કર્યું હતું.
 
શેરડીનું ઉત્પાદન તો તેમને સારું થતું હતું પરંતુ જ્યારે તેઓ તેને વેચવા ગયા ત્યારે તેમને યોગ્ય ભાવ ન મળ્યો.
 
જેથી તેમને શેરડીમાંથી ઑર્ગેનિક ગોળ તૈયાર કરવાનો વિચાર આવ્યો અને તેમણે આ કામ શરૂ કર્યું. ગ્રાહકો તેમના ઘરે આવીને 80થી 90 રૂપિયા પ્રતિકિલો આ ગોળ ખરીદી રહ્યા છે.
 
હરિભાઈ કહે છે, “અમે શેરડીના રસને ધ્યાનમાં રાખીને વાવી હતી. પણ તેમાંથી એટલી આવક થતી ન હતી. પછી અમે વિચાર્યું કે આમાંથી ગોળ બનાવીએ તો વધુ સારી આવક થાય. પછી અમે ગોળ બનાવવા માટે સાધનસામગ્રી વસાવવાનું નક્કી કર્યું. શેરડી કાપવા માટે મજૂરો પણ રાખ્યા અને ગોળનું પ્રોસેસિંગ શરૂ કર્યું. ઘરે જ ગોળ બનાવીને 80થી 90 રૂપિયે કિલો વેચવાનું શરૂ કર્યું. ઘરે બેઠા જ અમારો ગોળનો સપ્લાય થઈ જાય છે.”
 
તેમનો દાવો છે કે “તેઓ કોઈ પણ પ્રકારનાં રસાયણો ગોળ બનાવવામાં વાપરતાં નથી. દેશી શેરડી ઉગાડે છે અને તેમાંથી જ ગોળ બનાવે છે. શેરડી પણ પરંપરાગત રીતે ઉગાડે છે. એમાંથી તૈયાર થતો ગોળ સ્વાસ્થ્ય માટે પણ સારો છે.”
કેટલું થાય છે ગોળનું ઉત્પાદન?
એક વીઘામાં વાવેલી શેરડીમાંથી અંદાજે બે હજાર કિલો ગોળ બને છે. તેઓ બે વીઘામાં શેરડીનું ઉત્પાદન કરતા હોવાથી લગભગ ચારેક હજાર કિલો જેટલા ગોળનું ઉત્પાદન કરે છે.
 
તેઓ ડિસેમ્બર મહિનામાં ગોળ બનાવવાનું શરૂ કરે છે અને એક દિવસમાં 300થી 350 કિલો ગોળ બનાવે છે.
 
હરિભાઈ કહે છે, “કાઠિયાવાડ અને મહારાષ્ટ્ર જઈને અમે શેરડી વિશે ઘણા અલગ-અલગ અનુભવ લીધા હતા. ત્યાં શીખીને અમે વિચાર્યું કે આપણે પણ કંઈક નવું કરીએ.”
 
હરિભાઈના મત પ્રમાણે શેરડીની ખેતીમાં મજૂરોની ઓછી જરૂર પડે છે અને વાવાઝોડાં અને ભારે વરસાદ જેવી પરિસ્થિતિમાં પણ શેરડીની ખેતીમાં ઓછું નુકસાન થાય છે. સામાન્ય રીતે અમે ડિસેમ્બર મહિનામાં જ ગોળ બનાવીએ છીએ.
 
આમ, હરિભાઈને ઘરે બેઠા જ ગોળમાંથી હજારો રૂપિયાની કમાણી થાય છે
 
 
ગોળ કઈ રીતે બને છે?
શેરડીના રસને ઉકાળી, ઠંડો કરી અને ગોળ બનાવવામાં આવે છે. તેના પર વધુ પ્રક્રિયા કરીને તેમાંથી ખાંડ બનાવવામાં આવે છે. ખજૂરમાંથી પણ ગોળ તૈયાર કરવામાં આવે છે.
 
શેરડીના ઠંડા રસમાં ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને અન્ય ખનીજો હોય છે, જે પ્રક્રિયા દરમિયાન નષ્ટ થતા નથી, પરંતુ તેમાં વધારો થાય છે. આ વાત સાથે ફૂડ ઍન્ડ ઍગ્રિકલ્ચર ઑર્ગેનાઇઝેશન ઑફ ધ વર્લ્ડ (એફએઓ) સહમત છે.
 
ગોળને કોલંબિયા અને કેરેબિયન ટાપુઓમાં પેનેલા, જાપાનમાં કૉકુટા તથા બ્રાઝિલમાં રાપાદુરા કહેવામાં આવે છે.
 
ગોળને બાફ્યા પછી પણ તેમાંનાં મિનરલ અને મોલાસીસ જળવાઈ રહે છે. આ મોલાસીસ જ તેને તપખીરી અથવા રેતાળ રંગ આપે છે. તેમાં કેલ્શિયમ અને મૅગ્નેશિયમ પણ હોય છે.
 
ગોળનો વિવિધ રીતે ઉપયોગ કરી શકાતો હોવાથી તેનો વ્યાપ ઝડપભેર વધ્યો છે. જાણકારો અનુસાર ગોળને લીધે જ શેરડીના ઉત્પાદનને વેગ મળ્યો છે.
 
ગોળમાં રહેલા પોષકતત્ત્વો
 
હોમિયોપેથિક ડૉક્ટર મોહમ્મદ નાવેદ કહે છે, “ગોળ તો જાણે કે કૅલ્શિયમ, મૅગ્નેશિયમ, ફૉસ્ફરસ તથા આયર્ન જેવાં પોષકતત્ત્વોની પરંપરાગત ખાણ છે.”
 
આગાખાન યુનિવર્સિટીના મેડિસિન વિભાગના ડૉ. સારા નદીના કહેવા મુજબ ગોળ ડાયાબિટીસ માટે હાનિકારક છે, કારણ કે ખાંડ ખાવામાં આવે છે કે ગોળ એ ડાયાબિટીસથી પીડિત વ્યક્તિનું શરીર એ નથી જોતું. ગોળ એ થોડો જટિલ પદાર્થ હોવાથી ઇન્સ્યુલિન સ્પાઇકમાં થોડો વિલંબ થઈ શકે, પરંતુ તેમાંની ઉચ્ચ કાર્બોહાઇડ્રેટ સામગ્રીને લીધે આવો વધારો થવો અનિવાર્ય છે.
 
તેમના કહેવા મુજબ શરીરને કેટલાક ફાયદા થાય એ માટે ગોળનું સેવન પણ જરૂરી છે.
 
અનેક દેશોમાં ગોળનું સાંસ્કૃતિક મહત્ત્વ છે. અહીં ગોળને માત્ર ખોરાકનું એક ઘટક ગણવામાં આવતો નથી. શરદી જેવી બીમારીઓથી દૂર રહેવા કે ઊર્જા મેળવવા માટે પણ ગોળ ખાવો જોઈએ, એવી સમજણ અનેક પેઢીઓથી છે.