ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 5 ફેબ્રુઆરી 2022 (21:14 IST)

૧.૧૫ કરોડ આયુષ્યમાન કાર્ડ ધારકો સાથે ગુજરાત દેશમાં ચોથા ક્રમાંકે

આયુષ્યમાન ભારત યોજના હેઠળ લાભાર્થી દર્દીઓને દાવા ચૂકવણીમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે. ગુજરાતમાં આ યોજનાની અમલવારી થઇ ત્યારથી અત્યાર સુધીમાં ૪૩૮૭ કરોડની દાવા ચૂકવણી કરવામાં આવી છે. આમ રાજ્યમાં મહિને ૧૦૭ કરોડથી વધુ અને દૈનિક ધોરણે ૩.૫ કરોડ થી વધુ રકમના દાવાની ચૂકવણી જરૂરિયાતમંદ દર્દીઓની સારવારમાં કરવામાં આવી છે. આરોગ્ય વિભાગમાંથી પ્રાપ્ત વઘુ માહિતી અનુસાર,અત્યાર સુધીમાં રાજ્યમાં ૨૬ લાખથી વધુ દાવા મંજૂર કરવામાં આવ્યા છે. ગુજરાતમાં ૧.૧૫ કરોડ નાગરિકો પાસે આયુષ્યમાન કાર્ડ છે. આ કાર્ડધારકોની સંખ્યાની  દ્રષ્ટિએ ગુજરાત સમગ્ર દેશમાં ચોથા ક્રમાંકે છે. 
 
ઉલ્લેખનીય છે કે, રાજ્યની ૧૮૭૫ સરકારી અને ૭૧૩ જેટલી ખાનગી હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ ધારક તબીબી સેવાનો લાભ મેળવી શકે છે. આ તમામ તબીબી સેવા કાર્ડધારકને કેશલેસ અને વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જેમાં સામાન્ય બિમારી સાથે,અતિ મોંઘી સર્જરી તેમજ કેન્સર, કિડની, હ્યદયરોગ સંબંધિત બિમારીઓનો પણ સમાવેશ થાય છે. 
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકોને આરોગ્યલક્ષી સેવાઓ સરળતાથી અને વિનામૂલ્યે મળી રહે તે માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય-આયુષ્યમાન ભારત યોજના અમલી બનાવી છે. ગુજરાતમાં વર્ષ ૨૦૧૨ થી કાર્યરત મા અને મા વાતસલ્ય યોજનાને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં સમન્વિત કરીને PMJAY-મા યોજના કાર્યરત કરીને રાજ્યમાં યોજનાનો વ્યાપ  વધારવામાં આવ્યો છે. 
 
આ સંદર્ભે ગુજરાત રાજ્યે આયુષ્યમાન યોજનાનો લાભ રાજ્યના અંતિમ નાગરિક સુધી પહોંચાડવા માટે પરિણામલક્ષી કામગીરી હાથ ધરી છે. રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશભાઇ પટેલે આયુષ્યમાન કાર્ડને રાજ્યના નાગરિકો સુધી પહોંચાડવાની કામગીરીને વેગવંતી બનાવવા “આપ કે દ્વાર આયુષ્યમાન” મેગા ડ્રાઇવ ની શરૂઆત કરાવી છે. 
 
આ યોજના અંતર્ગત નિયત માપદંડો પ્રમાણે રાજ્યના 80 લાખ કુટુંબો અટલે કે 4 કરોડ જરૂરિયાતમંદ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડથી લાભાન્વિત કરવાનો દ્રઢ સંકલ્પ છે. જે માટે રાજ્યની આશા બહેનો, આંગણવાડી વર્કર્સ, પંચાયતી રાજ સંસ્થાઓ જેવા પાયાના કાર્યકરો રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહ્યા છે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે, સામાજીક, આર્થિક અને જાતિ આધારિત સર્વેક્ષણ(SECC)-2011 અંતર્ગત નિયત માપદંડો ધરાવતા રાજ્યના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં પરિવારોને રૂ. ૫ લાખ નું પ્રતિવર્ષ સુરક્ષા કવચ પૂરુ પાડવામાં આવે છે.કાર્ડ માટે પાત્રતા ધરાવતા વ્યક્તિ કાર્ડ કઢાવવા  www.mera.pmjay.gov.in  લિંક પર જઇ શકે છે અને પોતાનો મોબાઇલ નંબર , રેશન કાર્ડ કે SECC માં નોંધણી ના આધારે  કાર્ડ મેળવી શકે છે.
 
આ યોજના અંતર્ગત કાર્ડ કઢાવવા માટે નાગરિકો યોજના સાથે સંકળાયેલી તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલ,P.H.C, C.H.C, ડિસ્ટ્રીક્ટ ,સબ ડિસ્ટ્રીક્ટ, હોસ્પિટલ, મેડિકલ કૉલેજ, કોમન સર્વિસ સેન્ટર -CSC, ઇ-ગ્રામ, UTIઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેકનોલોજી એન્ડ સર્વિસ લિમિટેડ, સેન્ટરમાંથી  તેમજ તાલુકા અને શહેરી કક્ષાએ (n) Code Agency Centres પરથી લાયકાત ધરાવતા લાભાર્થીઓ નિયત પધ્ધતિ અનુસાર  કાર્ડ કઢાવી શકે છે. આ અંગે વધુ માહિતી માટે રાજ્ય સરકાર દ્વારા ટોલ ફ્રી નંબર 1800-233-1022  અને 14555 પણ કાર્યરત કરવામાં આવ્યો છે.