મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 13 જાન્યુઆરી 2018 (13:05 IST)

ઉપલેટામાં પ્રાંસલાની રાષ્ટ્રકથા શિબિરમાં આગ લાગી, 15 કિશોરીઓ ગંભીર રીતે દાઝી, 3નાં મોત

ઉપલેટામાં પ્રાંસલાની રાષ્ટ્રકથા શિબિરમાં આગ લાગી, 15 કિશોરીઓ ગંભીર રીતે દાઝી, 3નાં મોત
ઉપલેટાથી 30 કિલોમીટર દૂર આવેલા પ્રાંસલામાં ચાલી રહેલી રાષ્ટ્રકથા શિબિરમાં વિદ્યાર્થિનીઓના ટેન્ટમાં શુક્રવારની રાત્રિના શોટસર્કિટના કારણે અચાનક આગ ભભૂકી ઊઠતાં ત્રણ શિબિરાર્થી કિશોરી ભડથું થઇ ગઇ હતી. પાંચના મોતની શંકા સેવાઇ રહી છે. 15 કિશોરીઓ દાઝી જતાં ધોરાજી, પોરબંદર અને ઉપલેટાની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ છે. 50 ટેન્ટ સળગીને ખાખ થઇ ગયા હતા. મૃતકોમાં કૃપાલી અશોક દવે જે મોરબી રહે છે, વનિતા જમોડ સાયલા તાલુકાના ગામના જમોડની વતની છે, તો કિંજલ અરજનભાઇ આંબેડી જે જસદણની છે. મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ પ્રાસલા માં શિબિર દરમ્યાન થયેલી આગની દુર્ઘટના પ્રત્યે દુઃખ વ્યક્ત કરી આ સમગ્ર ઘટનાની તપાસ માટે રાજકોટ કલેક્ટર ને આદેશો આપ્યા છે.. મુખ્યમંત્રી એ આ દુર્ઘટના માં મૃત્યુ પામેલી 3 શિબિરાર્થી દીકરીઓ પ્રત્યે સંવેદના વ્યક્તિ કરી તેમના પરિવાર જનોને મુખ્યમંત્રી રાહતનિધિ માંથી 4 લાખ રૂપિયા ની સહાય આપવાની જાહેરાત કરી છે.તેમણે આ આગની ઘટનાની જાણકારી મળતા જ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર ને બચાવ અને મદદ માટે સતર્ક કર્યું હતું અને વિગતવાર માહિતી મેળવી હતી. રાત્રિના 1:30 કલાકે આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લેવાયો હતો. આર્મી, એનડીઆરએફ અને નેવીના જવાનોએ શિબિર સ્થળ આસપાસ સર્ચ ઓપરેશન પણ કરીને કિશોરીઓને સલામત સ્થળે ખસેડી હતી. બનાવની જાણ થતાં રાજકોટના કલેક્ટર વિક્રાંત પાંડે અને જિલ્લા પોલીસવડા અંતરીપ સુદ પણ મોડી રાત્રિના પ્રાંસલા પહોંચ્યા હતા. ધોરાજી, ઉપલેટા ઉપરાંત પોરબંદરથી પણ ફાયર ફાઇટરો બોલાવવામાં આવ્યા હતા તેમજ આગના કારણે દાઝી ગયેલી કિશોરીઓ અને નાસભાગમાં જેઓને ઇજા થઇ હતી તેઓને હોસ્પિટલે પહોંચાડવા માટે 108 સહિત 40 જેટલી એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અને ઇજાગ્રસ્તોને તાકીદે નજીકના શહેરની હોસ્પિટલમાં પહોંચાડી ઝડપથી સારવાર શરૂ કરાવવામાં આવી હતી. લગભગ એક કલાકથી વધુ અફરા-તફરીનો માહોલ રહ્યો હતો. આગ લાગતાંની સાથે જ કિશોરીઓમાં નાસભાગ મચી ગઇ હતી. ભારે ગભરાટ ફેલાઇ ગયો હતો. આર્મીના જવાનોએ કિશોરીઓને સૌપ્રથમ તો સલામત સ્થળે ખસેડી હતી. કલેક્ટર વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે, કિશોરીઓમાંથી ડર દૂર કરવા મોડી રાત્રે જ આર્મીના અધિકારીઓએ કાઉન્સેલિંગ કર્યું હતું અને ડર દૂર કરવાની કોશિશ કરી હતી. પ્રાંસલામાં વર્ષોથી રાષ્ટ્રકથા શિબિરનું આયોજન થાય છે. આ વખતે 10 હજારથી વધુ શિબિરાર્થીઓએ ભાગ લીધો હતો અને દિવસ દરમિયાનની અલગ-અલગ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. મોટાભાગના શિબિરાર્થીઓ ભોજન કર્યા બાદ આરામ કરી રહ્યા હતા. ત્યારે કિશોરીઓ જે વિભાગમાં ટેન્ટમાં સુતી હતી ત્યાં આગ લાગી હતી. પ્રાંસલામાં રાષ્ટ્રકથા શિબિર શરૂ થાય તેના થોડા દિવસો પહેલાં જ આર્મી અને નેવીના જવાનો પ્રાંસલા આવી પહોંચે છે. ગત શુક્રવારથી શિબિર શરૂ થઇ ત્યારથી જ આર્મીના જવાનો ઉપસ્થિત હતા. શુક્રવારે રાત્રે આગ લાગી તેની સાથે જ આર્મીના જવાનો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. તેમજ જે વિદ્યાર્થિનીઓ આગમાં ફસાઇ હતી તેને બચાવીને સલામત સ્થળે લઇ જવાની કામગીરી પણ કરી હતી અને આ કારણોસર જ અાગ પર ઝડપથી કાબૂ મેળવી લેવાયો હતો અને વધારે જાનહાની થતાં અટકી હતી.ગુજરાત ઉપરાંત અલગ-અલગ રાજ્યોમાંથી પ્રાંસલા આવેલા 10 હજારથી વધુ વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને રહેવા માટે હજારો ટેન્ટ લગાવવામાં આવ્યા હતા.

જે વિભાગમાં આગ લાગી હતી ત્યાં બાજુ-બાજુમાં જ ટેન્ટ હતા. 50 ટેન્ટ ક્ષણભરમાં જ સળગી ગયા હતા. આથી આસપાસના ટેન્ટમાં ભારે ધુમાડો થતાં કેટલીક કિશોરીઓ ટેન્ટમાં જ ફસાઇ હતી. સાથી મિત્રોએ મદદ કરીને કિશોરીઓને બહાર લઇ જવાઇ હતી. રાત્રિનો સમય હોવાથી બચાવ કામગીરીમાં પણ થોડી બાધા આવી હતી.