ગુરુવાર, 2 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 28 માર્ચ 2018 (11:54 IST)

પશ્ચિમ બંગાળના 25 બાળમજુરોને રાજકોટમાં વેચી મારવાની શંકાના આધારે મુક્ત કરાયા

રાજકોટ શહેરના સંતકબીર રોડ પર સમાજ સુરક્ષા વિભાગ અને પોલીસે સોમવારે દરોડો પાડી 25 બાળકોને મુક્ત કરાવ્યા હતા. બાળકોને બંગાળથી સિકંદર શેખ ઉઠાવી લાવતો હોવાનું ખૂલતાં તેની સામે ગુનો નોંધાયો હતો. મંગળવારે સિકંદર સામે વધુ એક ફરિયાદ નોંધાઇ હતી. સિકંદર બાળકોને લાવીને રાજકોટમાં વેચી દેવાતો હોવાની શંકાએ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. સંતકબીર રોડ પર સિકંદર શેખના કબજાના મકાનમાં રહેતા ત્રણ બાળકો ચારેક દિવસ પૂર્વે ઓરડીમાંથી ભાગીને બંગાળ જવા નીકળ્યા હતા, પરંતુ જૂનાગઢ પહોંચી ગયા હતા. જૂનાગઢના સામાજિક કાર્યકરોએ પૂછપરછ કરતાં બાળ તસ્કરી અને બાળકો પર રાજકોટમાં ત્રાસ ગુજારાતો હોવાનો પર્દાફાશ થયો હતો. સઘળી વિગતો મળતાં સમાજ સુરક્ષા વિભાગ અને રાજકોટ પોલીસે સોમવારે સંતકબીર રોડ પર સિકંદર શેખની ઓરડી અને પિતૃકૃપા નામના કારખાનામાં દરોડો પાડી 25 બાળકોને મુક્ત કરાવ્યા હતા. સિકંદર શેખ સામે આ અંગે થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી.