શુક્રવાર, 23 ફેબ્રુઆરી 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 26 જૂન 2018 (15:44 IST)

કોંગ્રેસમાં ઈમર્જન્સીની વરસીએ કટોકટી, યુથ કોંગ્રેસના કાર્યકરોએ પ્રદેશ કાર્યાલયમાં તોડફોડ કરી

લોકસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં ટોચના નેતાઓની કામગીરીથી દિગજ્જ નેતાઓમાં મૌન અસંતોષ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ અને વિવાદ જાણે એકબીજાના પર્યાય બની ગયા હોય તેમ મંગળવારે અમદાવાદ ખાતેની પ્રદેશ કાર્યાલયની કચેરી ખાતે યૂથ કોંગ્રેસના કેટલાક કાર્યકરોએ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની ઓફિસે હોબાળો મચાવી તોડફોડ કરી હતી.નિરવ બક્ષીને શહેર પ્રમુખ બનાવવાની માંગ સાથે યૂથ કોંગ્રેસના કાર્યકરોએ પ્રદેશ સમિતિની બેઠકમાં હલ્લાબોલ કર્યું હતું. આટલું જ નહીં સૂત્રોએ જણાવ્યા મુજબ યૂથ કોંગ્રેસના કાર્યકરોએ નિરવ બક્ષીને શહેર પ્રમુખ બનાવવાની માંગ સાથે પ્રદેશ પ્રમુખ ચાવડાની કચેરીએ તેમની નેમ પ્લેટ પણ તોડી નાંખી હતીયૂથ કોંગ્રેસ કાર્યકરો આટલેથી નહીં અટકતા તેમણે પ્રદેશ કાર્યાલય ખાતે ટોચના કોંગ્રેસી નેતાઓના દિવાલ પર ચોંટાડેલા પોસ્ટર પણ ફાડી નાંખ્યા હતા.ગઈકાલે રાજકોટ સ્થિત કોંગ્રેસના ટોચના નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ રાજીનામું આપ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ ચાવડા અને અમરેલીના ધારાસભ્ય તેમજ વિપક્ષના નેતા પરેશ ધાનાણીની વચ્ચે મતભેદને લીધે હાલ પ્રદેશ કોંગ્રેસમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે. ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ ગઈકાલે આપેલા રાજીનામાના સમર્થનમાં કોંગ્રેસના 17 કોર્પોરેટરે પણ રાજીનામાની ચીમકી આપી છે.જસદણના કુંવરજી બાવાળીયા, વાંકાનેરના મોહમ્મદ પીરઝાદા અને મહેસાણાના પૂર્વ સાંસદ જીવાભાઈ હાલ કોંગ્રેસના પ્રદેશ નેતાગણની કામગીરીથી નારાજ જણાય છે અને મૌન અસંતોષ જોવા મળે છે. દરમિયાન અગાઉના હોદ્દેદારો અને દિગજ્જ નેતાઓ પણ સુષુપ્ત હોવાનું જોવા મળે છે.યૂથ કોંગ્રેસના કાર્યકરોએ આજે સવારે પ્રદેશ સમિતિની બેઠકમાં જ હોબાળો મચાવ્યો હતો અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનો ઘેરાવ કરી લીધો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સુરક્ષાને લીધે ચાવડાને ત્યાંથી ભાગવાની ફરજ પડી હતી.યૂથ કોંગ્રેસના કાર્યકરોએ શહેર પ્રમુખ તરીકે નિરવ બક્ષીની નિમણૂક કરવાની માગ કરી હતી. આ ઉપરાંત કોંગ્રેસ કાર્યાલય બહાર પણ કેટલાક કાર્યકરોએ દેખાવો કરીને કોંગ્રેસની કામગીરીને કોર્પોરેટ કલ્ચર સાથે સરખાવા પ્લેકાર્ડ પણ રજૂ કર્યા હતા.