મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 3 એપ્રિલ 2018 (13:10 IST)

અમદાવાદમાં ભારત બંધ દરમિયાન તોડફોડ-હુમલા બદલ પાંચ મહિલા સહિત ૩૬ની ધરપકડ

એસસી-એસટી એક્ટમાં સુધારણા અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદાના વિરોધમાં ગઇ કાલે અપાયેલા ભારત બંધના એલાનમાં ચાંદખેડા, સારંગપુરબ્રિજ સહિતના વિસ્તારોમાં થયેલા પથ્થરમારા અને પોલીસ પરના હુમલાના મામલે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આશરે ૩૦૦૦ લોકોના ટોળા સામે રાયો‌ટિંગ, લૂંટ અને પોલીસકર્મીઓ પર હુમલા બદલનો ગુનો દાખલ કરાયો છે. જે પૈકી પોલીસે અત્યાર સુધીમાં પાંચ મહિલા સહિત ૩૬ જેટલા આરોપીની ધરપકડ કરી છે.  સારંગપુર સર્કલ ખાતે બપોર પછી પરિસ્થિતિ કાબૂ બહાર જતાં પોલીસે એક્શનમાં આવી રસ્તાને ખુલ્લા કરાવ્યા હતા. દરમ્યાનમાં ત્રણ શખસોએ રોડ પરથી પસાર થતાં વાહનને રોકી રસ્તો બંધ કરાવવાનો પ્રયાસ કરતાં પોલીસે તેમને ડિટેઇન કરી વાનમાં બેસાડી દીધા હતા. દરમ્યાનમાં પોલીસ સારંગપુરબ્રિજ તરફ રસ્તો ખુલ્લો કરાવવા ગઇ તે દરમ્યાન ૮૦૦થી ૧૦૦૦ માણસોનું ટોળું સારંગપુરબ્રિજ તરફથી આવ્યું હતું અને અચાનક પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. પ્રિઝન વાનમાં ડિટેઇન કરેલા ત્રણ શખસોને છોડાવવા ટોળું વાન પાસે ધસી ગયું હતું અને લાકડીઓ વડે વાન પર હુમલો કર્યો હતો. ટોળાએ વાનને ઊંધી વાળવાનો પ્રયાસ કર્યો હતો. ટોળું બેકાબૂ થતાં પોલીસે લાઠીચાર્જ શરૂ કર્યો હતો. દરમ્યાનમાં ક્રાઇમ બ્રાંચનો કાફલો પણ સારંગપુરબ્રિજ પર આવી ગયો હતો અને ટોળાને લાઠીચાર્જ કરી વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ટિયરગેસના સેલ છોડ્યા હતા છતાં પણ ટોળું વિખેરાયું નહોતું.   ખાડિયા વિસ્તારમાં લૂંટ અને તોડફોડ બદલ પોલીસે ૧૦ લોકોની ધરપકડ કરી ૧૦૦ લોકોના ટોળા સામે લૂંટ અને રાયોટિંગનો ગુનો નોંધી આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે. સારંગપુર બ્રિજ ઉપર મોટાં ટોળાંએ પોલીસ પર પથ્થરમારો પણ કર્યો હતો. રાજપુર રોડ પર ટાયર સળગાવીને તેમણે પોતાનો વિરોધ વ્યકત કર્યો હતો, જેમાં ગોમતીપુર પોલીસે હજારના ટોળા સામે ગુનો દાખલ કર્યો છે.