શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 24 જાન્યુઆરી 2018 (12:59 IST)

અમદાવાદમાં પદ્માવતના વિરોધમાં તોડફોડ-આગજની કરનારા 100થી વધુની ધરપકડ

અમદાવાદમાં મંગળવારે રાત્રે પદ્માવતના વિરોધમાં થયેલી તોડફોડ અને આગચંપીની ઘટનામાં પોલીસે 100થી વધુ લોકોની ધરપકડ કરી છે, અને તોફાનીઓના 50 જેટલા બાઈક્સ પણ કબજે કરાયા છે. આ સમગ્ર ઘટનામાં ચાર ફરિયાદ નોંધાઈ છે, જેમાં હિમાલયા મોલમાં થયેલી તોડફોડ મામલે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધવામાં આવી છે. જ્યારે અન્ય ત્રણ ફરિયાદ સદોષ માનવવધના ગુનામાં નોંધાઈ છે.વરિષ્ઠ પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સ્પેશિયલ સીપી રાવના નેતૃત્વમાં પોલીસની અલગ-અલગ ટીમો ગઈ કાલે થયેલી તોડફોડ અને વાહનો સળગાવવાની ઘટનાની ફરિયાદોની તપાસ કરી રહી છે.

તોડફોડ કરનારાઓને ઓળખવા માટે પોલીસ વિવિધ સ્થળોએથી સીસીટીવી ફુટેજ એકત્ર કરી રહી છે.અમદાવાદમાં કોઈપણ સ્થિતિને કાબુમાં લેવા માટે RAFની ચાર કંપનીઓ પણ ઉતારવામાં આવી છે, અને સ્થાનિક પોલીસે પણ ઠેકઠેકાણે ચાંપતો બંદોબસ્ત તેમજ પેટ્રોલિંગ શરુ કર્યું છે.  હવેથી આ પ્રકારના કોઈપણ વિરોધ પ્રદર્શન યોજતા પહેલા પોલીસ પાસે માગવામાં આવતી પરમિશન ક્રોસ વેરિફિકેશન કરીને જ આપવાનો પણ નિર્ણય લેવાયો છે.