પદ્માવતના વિરોધમાં અમદાવાદમાં તોડફોડ-આગચંપી
પદ્માવત ફિલ્મના વિરોધમાં શહેરના અનેક વિસ્તારોમાં ટોળાઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે, હિમાલયા મોલમાં બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. પોલીસની ધરાર નિષ્ક્રિયતાને લીધે ફિલ્મના વિરોધની આડમાં અમુક અસામાજિક-ગુંડા તત્ત્વોને જાણે છુટ્ટો દોર મળ્યો છે. અમદાવાદમાં મંગળવારે રાત્રે મલ્ટિપ્લેક્સ, દુકાનો સહિત અનેક સ્થળો પર પથ્થરમારો, આગચંપી, વાહનોની તોડફોડથી ચારેતરફ અરાજકતાનો માહોલ સર્જાયો હતો. સામાન્ય લોકો બેહાલ બન્યા હતા. ટોળાને કાબુમાં લેવા માટે પોલીસે ફાયરિંગ કર્યું હતું. હિમાલય મોલમાં હોબાળો મચાવનાર 9 ની અટકાયત કરવામાં આવી છે. વસ્ત્રાપુર પોલીસે તેની અટકાયત કરી હતી.
પદ્માવત ફિલ્મનો વિરોધ કરતા રાજપૂતો દ્વારા અનેક સિનેમાધરોમાં તોડફોડ કરવામાં આવી રહી છે. 1500થી વધારે લોકોના ટોળાએ એસ જી હાઇવે પર આવેલા PVRસિનેમામાં તોડફોડ કરી છે. અનેક વાહનોને તોડફોડ કરવામાં આવી છે. ઘટનાને પગલે મોટી સંખ્યામાં પોલીસ કફલો પહોચીને મામલો શાંત કરવાની પ્રક્રિયા કરી રહ્યા છે. થલતેજમાં આવેલા એક્રોપોલીસ મોલમાં પણ તોડફોડ કરવામાં આવી છે. ગુરુકુળ રોડ પાસે આવેલા હિમાલય મોલમાં પણ આગચંપી કરવામાં આવી છે. વસ્ત્રાપુર પાસે આવેલા આલ્ફા વન મોલમાં પણ આગચંપીનો બનાવ બન્યો છે.
આગચંપીને કારણે ફાયરબ્રિગેડ તેમજ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. અનેક જગ્યાએ પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં અનેક વિસ્તારોમાં સિનેમાઘરમાં ટોળાઓ વિરોધ કરીને પથ્થરમારો તેમજ આગચંપી અને તોડફોડ કરવામાં આવી રહ્યો છે.
કરણી સેનાના પ્રમુખે રાજ શેખાવત અને રાજપૂત કર્ણીસેનાના સંસ્થાપક લોકેંદ્ર કાલવીએ શાંતિ જાળવવા માટે અપીલ કરી છે. રાજપૂત કરણી સેના દ્વારા જણાવ્યું હતું કે, ફિલ્મ પદ્માવતના વિરોધ મુદે પબ્લિક પ્રોપર્ટીને કોઈ નુકસાન પહોંચાડવાની કે, સમાજમાં કોઈને તકલીફ પડે તેવી પ્રવૃત્તિ કરવામાં આવશે નહીં. લોકોએ શાંતિપૂર્ણ વિરોધ કરવો જોઈએ. સાથે જ તેમણે કહ્યું કરણી સેનાનું નામ લઈ આ હીંસા ફેલાવામાં આવી રહી છે. હીંસા ફેલાવનારા સામે કાયદાકિય કાર્રવાહી કરવામાં આવે. તેમણે કહ્યું કે હું આ ઘટનાથી શરમિંદા છું. સાથે જ કર્ણી અને રાજપૂત સમાજના સંસ્થાપક લોકેંદ્રસિંહે કહ્યું કર્ણીસેના કે કોઈ અન્ય સમાજનું નામ આ વિવાદમાં લેવું તે યોગ્ય નથી. અને તેમણે આ હીંસાને લઈ માફી પણ માગી. અને શાંતિ જળવાઈ રહે તે માટે લોકેંદ્રસિંહે લોકોને અપીલ કરી છે.