1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 20 જુલાઈ 2023 (18:51 IST)

ગુજરાત: એકસાથે ત્રણ-ત્રણ સિસ્ટમ બની, ત્રણ દિવસ હજુ કયા જિલ્લામાં ભારે વરસાદ પડશે?

rain in gujarat
ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે, કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પણ પડ્યો છે.
 
ગીર-સોમનાથના સૂત્રાપાડા, જૂનાગઢના કેશોદ, રાજકોટના ધોરાજી સહિતના અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ નોંધાયો છે. નદીઓમાં પૂર આવ્યાં છે અને કેટલાક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
 
ગુજરાત માટે હજી પણ ભારેથી અતિ ભારે વરસાદનો ખતરો ટળ્યો નથી અને આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદ પડે તેવી શક્યતા છે.
 
હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે અનેક વિસ્તારોમાં હજી ભારે વરસાદ ચાલુ રહેશે.
 
હાલ ભારે વરસાદની સ્થિતિને જોતાં તંત્ર પણ સતર્ક થઈ ગયું છે અને સૌરાષ્ટ્રમાં એનડીઆરએફની ટીમો તહેનાત કરી દેવામાં આવી છે.
 
હજી આવનારા પાંચ દિવસો સુધી રાજ્યમાં વરસાદનું જોર રહેવાની શક્યતા છે, જે બાદ વરસાદી ગતિવિધિમાં ઘટાડો થાય તેવી શક્યતા દેખાઈ રહી છે.
 
ગુજરાતમાં કયા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી? 
 
હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હજી પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે અને આવનારા ત્રણ દિવસ સુધી કેટલાક જિલ્લાઓમાં કોઈ સ્થળે અત્યંત ભારે વરસાદની પણ શક્યતા છે.
 
હવામાન વિભાગે 20 જુલાઈના રોજ જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર અને વલસાડ જિલ્લામાં રેડ ઍલર્ટ આપ્યું છે. એટલે કે આ જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની શક્યતા છે.
 
દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ, અમરેલી, અમદાવાદ, ખેડા, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, ડાંગ અને તાપી જિલ્લામાં ઓરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે અને મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી ગતિવિધિ જોવા મળે તેવી સંભાવના છે.
 
રાજ્યના અન્ય તમામ જિલ્લાઓમાં યલો ઍલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે બાકીના તમામ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દેખાઈ રહી છે.
 
હાલની સ્થિતિ પ્રમાણે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ આજથી વરસાદ વધે તેવી સંભાવના દેખાઈ રહી છે.
 
ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો પર આવનારા ત્રણ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે.
 
21 જુલાઈના રોજ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. એટલે કે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે કોઈ સ્થળે અતિ ભારે વરસાદ પડે તેવી પણ શક્યતા દેખાઈ રહી છે.
 
ગુજરાતમાં અતિ ભારે વરસાદ કેમ પડી રહ્યો છે?
 
ગુજરાતમાં 25 જૂનના રોજ ચોમાસાની શરૂઆત થઈ હતી તે બાદ રાજ્યના વિવિધ વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે. જૂન મહિનાના અંતથી જુલાઈ મહિનાની શરૂઆતમાં પણ વિવિધ વિસ્તારોમાં સારો વરસાદ થયો હતો.
 
હાલ દેશનાં અનેક રાજ્યોમાં ચોમાસું ફરીથી સક્રિય થયું છે, ઉત્તર ભારતમાં અત્યંત ભારે વરસાદ અને ભયાનક પૂર બાદ હવે પશ્ચિમ ભારત પર વરસાદી ખતરો તોળાઈ રહ્યો છે.
 
ગુજરાત સાથે સાથે મહારાષ્ટ્ર, કોકણ, ગોવાના વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે અને અનેક જગ્યાએ પૂરની સ્થિતિ પેદા થઈ છે.
 
હાલ પંજાબ પર એક સાયક્લૉનિક સર્ક્યુલેશન બનેલું છે, બીજું સાયક્લૉનિક સર્ક્યુલેશન છત્તીસગઢ પર બનેલું છે, જ્યારે બંગાળની ખાડી અને ઓડિશાની આસપાસ એક લૉ પ્રેશર સિસ્ટમ બની છે.
 
આ સિસ્ટમોને અનુસંધાને ચોમાસાની ટ્રફ રેખા રાજસ્થાન, મધ્ય પ્રદેશથી થઈને બંગાળની ખાડી સુધી લંબાય છે. જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્રની પાસે એક શિયર ઝોન બનેલો છે.
 
આ તમામ વરસાદી સિસ્ટમો અને ચોમાસાની ટ્રફ રેખાને કારણે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં તો પૂરની સ્થિતિ પેદા થાય કે નુકસાન કરે એટલો વરસાદ પડી રહ્યો છે.
 
ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
 
 
રાજ્યમાં 19 જુલાઈ રોજ પડેલા વરસાદની વાત કરીએ તો લગભગ બધા જિલ્લામાં વરસાદ નોંધાયો હતો.
 
ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાતાં કેટલાંક સ્થળોએ જનજીવન ખોરવાયું હતું.
 
ગીર સોમનાથ જિલ્લામાં 10.58 ઇંચ વરસાદ નોંધાયો હતો. તેમજ જૂનાગઢમાં 2.85 ઇંચ વરસાદ નોંધાયો હતો.
 
આ સિવાય રાજકોટ જિલ્લામાં2.34 ઇંચ, પોરબંદરમાં 0.76 ઇંચ, બોટાદમાં 0.58 ઇંચ, સુરેન્દ્રનગરમાં 0.53 ઇંચ અને અમરેલીમાં 0.49 ઇંચ વરસાદ નોંધાયો હતો.
 
આ સિવાય અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, મહીસાગર અને છોટા ઉદેપુરમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો.
 
દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વલસાડમાં 1.72 ઇંચ વરસાદ નોંધાયો હતો.