શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 9 ઑક્ટોબર 2019 (11:39 IST)

સિવિલમાં મેડિકલ ટેસ્ટ માટે લવાયેલા બે આરોપીઓ પોલીસની કસ્ટડીમાંથી ફરાર

ચોરીના ગુનામાં ઝડપાયેલા ચારમાંથી બે આરોપીઓ ચાંદખેડા પોલીસની કસ્ટડીમાંથી ફરાર થઈ ગયા છે. નવી સિવિલ હોસ્પિટલમાં આરોપીઓને મેડિકલ ટેસ્ટ માટે લઈ ગયા હતા. જ્યાં ડોકટરોએ રાહ જોવાનું કહેતા આરોપીઓને હોસ્પિટલમાં બેસાડવાની જગ્યાએ ગાડીમાં બેસાડવા લઈ જતા બે આરોપીઓ પોલીસની નજર ચૂકવી ફરાર થઈ ગયા છે. શાહીબાગ પોલીસે ગુનો નોંધી તેઓની શોધખોળ શરૂ કરી છે.ચાંદખેડા પોલીસે છ દિવસ પહેલા ચોરીના ગુનામાં શાંતા જીતુભાઇ કેવટ, જીતુ કેવટ, લોકેશ કેવટ, રાજુ કેવટ નામના આરોપીઓની ધરપકડ કરી હતી. બુધવાર સુધીના રિમાન્ડ હોવાથી મંગળવારે રાતે ચારેય આરોપીઓને મેડિકલ ટેસ્ટ કરાવવા માટે રાતે 10 વાગ્યા પછી નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. CMO પાસે જતા થોડીવાર પછી તેઓને આવવા કહ્યું હતું. પોલીસ કોન્સ્ટેબલ શારતુભાઈ, અમૃતજી અને જયાબેન તેઓને હોસ્પિટલમાં બેસાડવાની જગ્યાએ નીચે પોલીસ મોબાઈલવાનમાં બેસાડવા લઈ ગયા હતા. જ્યાં રોડ પરથી જીતુ અને લોકેશ પોલીસકર્મીઓની નજર ચૂકવી અને નાસી ગયા હતા. હાલ બંને આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે.