Last Modified: શુક્રવાર, 10 માર્ચ 2017 (13:55 IST)
તાંત્રિકે મા દિકરી પર દુષ્કર્મ આચર્યા બાદ સુરતમાં મહિલાઓનું પ્રદર્શન
શહેરમાં ધમધમતાં તાંત્રિકોના ગોરખધંધામાં મા-દીકરી પર દુષ્કર્મની ઘટના સામે આવી હતી. જેના રોષમાં સર્વ સમાજની મહિલાઓ એક થઈને આજે રસ્તા પર ઉતરી હતી. વનિતા વિશ્રામથી રેલી યોજી કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં માંગ કરાઈ હતી કે, તાંત્રિકવિધિના નામે મહિલાઓ સાથે થતા અત્યાચાર અંગે પોલીસે રેકર્ડ બનાવી તપાસ કરે અને ગોરખધંધા ચલાવતાં લેભાગુ તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરે.
સુરતમાં થોડા દિવસ અગાઉ પુરૂષની કથળેલી તબિયતની સારવાર અર્થે તાંત્રિક બાબાએ મા-દીકરી પર દોઢેક વર્ષ દુષ્કર્મ આચર્યું હતું. જે ઘટના પ્રકાશમાં આવતાં પોલીસે ધૂતારા તાંત્રિક અકમલ રઝા ઉર્ફે અકમલ બાબા અખતર રઝાનાની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ મહિલાઓને છાસવારે તાંત્રિકો પોતાની હવસનો શિકાર બનાવતાં હોય છે. જેના વિરુદ્ધમાં સર્વ સમાજની મહિલાઓ એક થઈ હતી. અને રોષ પ્રગટ કર્યો હતો. સાથે રેલી યોજી હતી અને પ્લેકાર્ડ દર્શાવી તાંત્રિકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
મહિલાઓએ વનિતાવિશ્રામથી રેલી યોજીને પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં માંગ કરવામાં આવી હતી કે, શહેરમાં જેટલા પણ આવા ઢોંગી કે તાંત્રિક વિધીના નામે હાટડીઓ ચલાવે છે તે દરેકનો સર્વે કરીને રજીસ્ટર્ડ બનાવવામાં આવે. સાથે જ તેમની હાટડીઓ પર સીસીટીવી રાખવામાં આવે અને છાસવારે હાટડીઓમાં થતી પ્રવૃતિઓ અંગે દેખરેખ રાખવામાં આવે જેથી સમાજની ભોળી મહિલાઓ અને લોકોનું શોષણ થતું અટકે.